બેંગ્લુરુ ઊડતા પહેલા ગુજરાતનું આ સ્થળ કોંગ્રેસના ધારાસભ્યોનું \'એપીસેન્ટર\'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: ચરોતરના વરિષ્ઠ રાજકારણીઓ આજકાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કોંગ્રેસમાં ભૂકંપની સ્થિતિ લાવનાર શંકરસિંહ વાઘેલા તથા અમૂલના ચેરમેન રામસિંહ પરમાર ચરોતર પંથકના કપડવંજ તેમજ ઠાસરાના ધારાસભ્ય છે તો કોંગ્રેસને બચાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ આ પ્રદેશના છે. શુક્રવારે કોંગી છાવણીના વિધાયકોને બેંગ્લુરુ લઇ જવાયા તે પહેલા કેટલાકને આણંદ પાસેના એક રિસોર્ટમાં રખાયા હતા. 

ચરોતરની કપડવંજ બેઠકના ધારાસભ્ય શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સામે બગાવતનું રણશીંગુ ફુંક્યા બાદ તેમના સમર્થક ધારાસભ્યો પણ એક પછી એક કોંગ્રેસ છોડી રહ્યા છે.  અને ભાજપમાં જોડાઇ ગયા છે.

તેમાંય શુક્રવારે ઠાસરાના ધારાસભ્ય અને અમૂલના ચેરમેન રામસિંહ પરમારે અલવિદા કરતા કોંગ્રેસ પાર્ટીમાં ભારે હડકંપ મચી ગયો છે. આગામી 8 તારીખે રાજ્યસભાના સભ્યની ચૂંટણી છે અને સોનિયા ગાંધીના વિશ્વાસપાત્ર અહેમદ પટેલે ઉમેદવારી કરી છે ત્યારે ધારાસભ્યોને સાચવવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. 

પોતાની પાસે બાકી રહેલા ધારાસભ્યો પક્ષાંતર ના કરે તે માટે કોંગ્રેસે 28 જેટલા ધારાસભ્યોને આણંદના વાસખિલીયા ગામ નજીકના એક રિસોર્ટમાં રાખ્યા હતા. શુક્રવારે સાંજે મોહનસિંહ રાઠવા, અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યો સાથે બંધ બારણે બેઠક કરી હતી. ત્યારબાદ એક સાથે લકઝરી બસમાં અમદાવાદ તરફ રવાના થયા હતા.
 
મીટીંગમાં હાજર રહેલા ધારાસભ્યોમાં અમિત ચાવડા, રાજેન્દ્રસિંહ પરમાર, નિરંજન પટેલ, નટરવસિંહ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ગૌતમ ચૌહાણ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં અર્જુન મોઢવાડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તમામ ધારાસભ્યોને અહીં રાખવાની  વ્યવસ્થા આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાન્તીભાઇ સોઢાપરમાર તથા યુથ કોંગ્રેસે જવાબદારી ઉઠાવી હતી. 
અન્ય સમાચારો પણ છે...