• Gujarati News
  • Petlad's Sekhadi Milk Mandli Gordhanbhai Patel Been Removed As A Chairman Latest

પેટલાદ:શેખડી દૂધ મંડળીના ચેરમેનપદેથી ગોરધનભાઇ પટેલને દૂર કરાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગોરધનભાઇ વિરુદ્ધ સહકારી કાયદા મુજબ કાર્યવાહી થયેલી હોવાથી હોદ્દા પરથી દૂર કરવા તેજસ પટેલ દ્વારા સહકાર મંત્રીને કરાયેલી રજૂઆત સંદર્ભે થયેલી કાર્યવાહી

પેટલાદ:પેટલાદ તાલુકાના શેખડી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ચેરમેન ગોરધનભાઇ પટેલ વિરુદ્ધ સહકારી કાયદાની કલમ-93 મુજબ કાર્યવાહી થયેલી હોવાથી હોદ્દા પરથી દૂર કરવા તાજેતરમાં અમૂલ નિયામક મંડળમાં ચૂંટાયેલાં તેજસ પટેલ દ્વારા કૃષિ અને સહકારી મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ગોરધનભાઇ પટેલને દૂધ મંડળીના ચેરમેનપદેથી તાત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

શેખડી દૂધ મંડળીના ચેરમેન ગોરધનભાઇ પટેલ પેટલાદની મહિલા ઉત્કર્ષ કો.ઓપરેટિવ સોસાયટી લિ.(ફડચામાં)ના બાકીદાર હોવાથી તેઓ સામે આઇપીસી એક્ટ મુજબની 406, 420, 120-બી, 114, 467, 468 અને 471 ની કલમ હેઠળ મંડળીના હોદ્દેદારોએ ફરીયાદ નોંધાવી હતી. જેનાં આધારે ગોરધનભાઇ પટેલ સામે કાનૂની કાર્યવાહી થતાં તેઅોને બાકી રકમ ભરપાઇ કરવાની શરતે હાઇકોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
જોકે, ગોરધનભાઇ પટેલે બાકીની રકમ ભરપાઇ કરી ન હોવાથી અને તેઓની સામે સહકારી કાયદાની કલમ 93 મુજબની કાર્યવાહી થયેલી હોવાથી તેઓને શેખડી દૂધ મંડળીના ચેરમેનપદના હોદ્દા પરથી દૂર કરવા દ્વારા કૃષિ અને સહકારના મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભે આણંદ જિલ્લા રજિસ્ટ્રારે તાજેતરમાં શેખડી દૂધ મંડળીના ચેરમેનપદેથી ગોરધનભાઇ પટેલને દૂર કરવાનો હુકમ કર્યો હતો.

હુકમમાં શું જણાવાયું છે?
હકમમાં જણાવાયું હતું કે, ગોરધનભાઇ પટેલ બાકીદાર છે અને તેઓની સામે કાનૂની કાર્યવાહી થયેલી છે. સહકારી કાયદાની જોગવાઇ મુજબ કોઇપણ વ્યક્તિ અન્ય કોઇ સોસાયટીના મુદ્દતવીતી બાકીદાર હોય તો તેઓ કોઇ મંડળીમાં હોદ્દો ધારણ કરી શકે નહીં તેવી જોગવાઇ હોવાથી ગોરધનભાઇ પટેલ મંડળીના કમિટિ સભ્ય તરીકેની લાયકાત ગુમાવતાં તેઓને મંડળની કમિટિના સભ્યપદેથી અને ચેરમેનપદેથી દૂર કરીને ત્રણ દિવસમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ જાણ કરવા માટે સૂચવવામાં આવ્યું હતું.

હવે મારી ટર્મ પૂરી થાય છે: ગોરધનભાઈ
આ બાબતે શેખડી દૂધ મંડળીના ચેરમેન ગોરધનભાઇ પટેલને આ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ‘આ નોટિસનો મેં જવાબ આપી દીધો છે. હવે મને 73 વર્ષ થયાં છે, આમ પણ નિવૃતિ તરફ જઇ રહ્યો છું અને મારી ટર્મ પણ પૂરી થવાની છે.’