બોરસદ: 20 દિવસમાં દોઢ લાખથી વધુ LED બલ્બ વેચાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ: આણંદ જિલ્લામાં આવેલા 21 સબડિવિઝનો મારફતે ઉજાલા ગુજરાત યોજના અનવયે 1,53,780 એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે. આ બલ્બ મેળવવા માટે વીજ કંપનીની કચેરીઓ પર લાંબી લાઇનો પણ લાગતી હોય છે. બજાર કરતાં સસ્તા ભાવે આ બલ્બ મળતા હોવાને કારણે વીજ ગ્રાહકો પણ આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં લઇ રહ્યાં છે.
આણંદ મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વીજ બચત થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તા.26મી મેના રોજ ઉજાલા ગુજરાત યોજના અમલમાં મુકી છે. જેમાં વીજ કંપનીના ગ્રાહકોને બજાર કરતાં ખુબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના એલઇડી બલ્બ આપવામાં આવી રહ્યાં છે. બ્રાન્ડેડ કંપનીના આ બલ્બ ખરીદવા માટે પણ હપ્તા સિસ્ટમ પણ અમલમાં મૂકી છે. આણંદમાં કુલ 21 સબ ડિવિઝન આવેલા છે. આ તમામ સબડિવિઝન હેઠળ એલઇડી બલ્બનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો લઇ રહ્યાં છે. બ્રાન્ડેડ કંપનીના એલઇડી બલ્બને કારણે વોરંટી પીરીયડ તેમજ ખુબ જ નજીવા દરની કિંમત હોવાથી આણંદ જિલ્લામાં કુલ 1,53,780 બલ્બનું વેચાણ થયું છે અને આગામી સમયમાં હજુ વેચાણ વધશે.
વીજ બિલ અને વીજળીમાં પણ બચત થશે

એક બલ્બનો ઉપયોગ કરવામાં આવે તો, વાર્ષિક 336 રૂપિયાની વીજ બિલમાં બચત થાય છે. જેથી ત્રણ જ માસમાં આ બલ્બ મફતના ભાવે પડે છે. સાથે સાથે આ બલ્બ ઓછા યુનિટના હોવાથી વીજળીની ખપત પણ ઓછી થશે.
બોરસદમાં 44 હજાર બલ્બ વેચાયા

બોરસદ સબડિવિઝન હેઠળ આવેલ વીજ કંપનીની કચેરીઓમાંથી 44 હજાર ઉપરાંત બલ્બ વેચાયા હતા. જેમાં બોરસદ શહેરમાં 6,670, બોરસદ ગ્રામ્ય 7580, આંકલાવમાં 13605, વાસદમાં 4,785, રાસમાં 11,469 મળીને કુલ 44119 બલ્બ વેચવામાં આવ્યા હતા.
આ યોજનાના લાભ કેવી રીતે મળી શકે?
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા વીજ ગ્રાહકે પોતાનું તાજેતરનું ભરેલું લાઇટ બિલ અને તેના ફોટા ઓળખકાર્ડની નકલ લઇને નજીકની વીજ કંપનીએ જવાનું રહેશે. ત્યા આ પુરાવાઓ રજૂ કરવાથી અને એક બલ્બના 80 રૂપિયા લેખે રોકડેથી 800 રૂપિયા આપવાના થાય છે. જયારે હપ્તાથી લેવાના હોય તો આ બલ્બ 85 રૂપિયામાં પડે છે. જેના હપ્તા દર મહિને આવતા બિલમાં કપાતા રહેશે. આમ આ યોજના વીજગ્રાહકોના લાભમાં હોવાથી મોટી સંખ્યામાં ગ્રાહકો આનો લાભ લઇ રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...