લોટીયા ભાગોળ પોલીસચોકીમાં PSI, આધેડ પર છરાથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરમાં આવેલી લોટીયા ભાગોળ પોલીસ ચોકીમાં ગુરૂવારે બપોરે પત્ની અને પુત્રી સામે અર્ધનગ્ન રહી બિભત્સ ચેનચાળા કરનારા શખ્સની રજૂઆત કરવા ગયેલા આધેડ પર શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં વચ્ચે છોડાવવા પડેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરને પણ જમણા હાથના ભાગે ઈજા પહોંચી હતી. આ મામલે આણંદ શહેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

લોટીયા ભાગોળ સ્થિત જીસસનગરમાં નિલેશભાઈ ઈગ્નાસભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. ગુરૂવારે બપોરે તેમની પત્ની તેમજ પુત્રી શાકભાજી લેવા માટે જતા હતા ત્યારે એ સમયે રોહિતવાસમાં રહેતો શૈલેષ મણી રોહિતે અગાઉના ઝઘડાની રીસ રાખીને અર્ધનગ્ન હાલતમાં તેમની સાથે બિભત્સ વર્તન કર્યું હતું. જે અંગેની જાણ નિલેશભાઈ પરમારને કરી હતી. આ મામલે નિલેશભાઈ પરમાર શહેરમાં આવેલી લોટીયા ભાગોળ પોલીસ ચોકીમાં રજૂઆત કરવા ગયા હતા.
 
દરમિયાન એ જ સમયે શૈલેષ હાથમાં છરો લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે નિલેશભાઈના ગળાના ભાગે ઘસરકો મારી દીધો હતો. નિલેશભાઈએ બૂમરાણ મચાવી હતી. જોકે, તે બીજો ઘસરકો મારે તે પહેલાં જ પોલીસ ચોકીમાં ફરજ બજાવી રહેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એન. રાવલ તેમજ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ પણ આવી પહોંચ્યા હતા. તેમણે શૈલેષના હાથમાંનો છરો લઈ છોડાવવાનો પ્રયાસ કરતા તેમના જમણા હાથના ભાગે પણ છરો વાગી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...