આણંદ: પ્રવેશોત્સવ ટાણે પોલ ખુલી, પ્રા. શાળામાં હોનારત સર્જાવવાનો ભય!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ શહેરનાં રૂપાપુરા વિસ્તારમાં નગર પ્રાથમિક શાળા નં.7 અને 24 આવેલ છે. આ શાળામાં નવું મકાન બનાવવામાં આવેલ છે. પરંતુ તેના બાંધકામ દરમિયાન કોઇ જગ્યાએ બીમ કે કોલમ ઉભા કરવામાં આવ્યા નથી. જેના કારણે મકાન ગમે ત્યારે ધરાશાયી થઇ જાય તેવો ભય વાલીઓને સતાવી રહ્યો છે. આ ઉપરાંત શાળામાં ચોમાસામાં પાણી ભરાય છે અને પીવાના પાણીની ટાંકી નથી. છેલ્લાં ચારેક વર્ષથી વિરોધ નોંધાવવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને ગુરુવારનાં રોજ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે વાલીઓએ આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા જણાવ્યું હતું.
રૂપાપુરા પ્રાથમિક શાળાનું મકાનનું બાંધકામ ચારેક વર્ષ અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું.પરંતુ કોન્ટ્ર્ાક્ટર દ્વારા આ બે માળનાં મકાનમાં કોઈપણ જગ્યાએ સિમેન્ટ, કોંક્રિટનું બીમ કે કોલમ ઉભા કરવામાં આવ્યા નથી. જે અંગે અગાઉ પણ વાલીઓ દ્વારા આણંદ પાલિકા સહિત લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમ છતાં બાંધકામ ચાલુ રખાયું હતું. આમ નવું મકાન કોઇપણ જાતના બીમ વગર ઉભુું કરવામાં આવ્યું હોવાથી ગમે ત્યારે ધરાશાયી થઇ જવાનો ભય વાલીઓને સતાવી રહ્યો છે. જેના કારણે આ મકાનમાં બાળકોને અભ્યાસ મોકલવા માટે પણ વાલીઓ ખચકાટ અનુભવી રહ્યાં છે.
આ ઉપરાંત ચોમાસા દરમિયાન શાળાનાં મેદાનમાં સામાન્ય વરસાદે પણ અડધોથી એક ફૂટ પાણી ભરાઇ જાય છે. જેના કારણે બાળકોને પાણીમાં પડીને અભ્યાસ કરવા માટે જવું પડે છે. શાળાના મુખ્ય દરવાજા પાસે ખાનગી વાહનચાલકો દ્વારા પોતાના વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે. આ બાબતોને ધ્યાનમાં લઇ ગુરુવારનાં રોજ વિદ્યાર્થીઓનાં વાલીઓએ એકત્ર થઇને ડૉ.સુલભાબહેનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પોતાની રજૂઆત ઉચ્ચ કક્ષાઅે પહોંચાડવા જણાવ્યું હતું. રૂપાપુરાનાં રહીશોએ અગાઉ પણ મંત્રીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને નવા બની રહેલાંં મકાનમાં બીમ નાખવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવાયા નથી. પાલિકા દ્વારા આયોજન વગર જ મકાન બનાવવામાં આવતાં રોષ જોવા મળી રહ્યો છે.
પાણીની ટાંકીના અભાવે તકલીફ પડે છે

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે. જેથી મેદાનમાં બ્લોક પેવિંગ કે રસ્તો બનાવવા માટે અને પીવાના પાણીની ટાંકી બનાવવા વગેરે અંગે રજૂઆત કરી હતી. તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. - પપ્પુભાઈ વાઘેલા, વાલી.
અન્ય સમાચારો પણ છે...