મુંબઈ, આણંદ: મુંબઈ અને ગુજરાત વચ્ચે કનેકશન ધરાવતા કિડની રેકેટમાં એક આરોપીના ઘરમાંથી રૂ. 8 લાખ મળી આવ્યા હતા. પવઈની હોસ્પિટલના સમાજસેવા વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા નિલેશ કાંબળેના ઘરે પોલીસે રેડ પાડતાં રૂ. 8 લાખની બેનામી રોકડ મળી હતી. આ રકમ કિડની રેકેટમાંથી જ જમા કરી હોવાની શંકા છે. પનવેલમાં રહેતો કાંબળે ચાર વર્ષથી પવઈ હિરાનંદાની હોસ્પિટલમાં નોકરી કરતો હતો. વધુ પૈસા કમાવાની લાલચમાં તે પણ કિડની રેકેટમાં સંકળાયો હતો. 14 જુલાઈના રોજ પોલીસે આ રેકેટનો પર્દાફાશ કરતાં કાંબળેની સંડોવણી બહાર આવી હતી.
યુસુફ બિસ્મિલ્લા શાહની નડિયાદમાંથી ધરપકડ
આ કેસમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. આમાં સાતમો આરોપી યુસુફ બિસ્મિલ્લા શાહ (45)ની નડિયાદમાંથી ધરપકડ કરાવામાં આવી હતી. કેસની વિગત અનુસાર કિડનીની જરૂર ધરાવતો દર્દી ગુજરાતનો રહેવાસી બ્રિજકિશોર જયસ્વાલે (48) અને ગુજરાતના આણંદની રહેવાસી શોભા ઠાકુરને રેખાદેવી પ્રસાદ (42)ને જયસ્વાલની પત્ની તરીકે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. રેખાદેવીને કિડની આપવા માટે યુસુફે તૈયાર કરી હતી. આ માટે વિવાહ નોંધણી પ્રમાણપત્ર, જન્મનો દાખલો, રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર જેવાં કાગળિયાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા શોધી આપવા સામે તગડા કમિશનની લાલચ
આ કેસમાં પોલીસે ભરત શર્મા, ઈકબાલ સિદ્દિકી અને જયસ્વાલના પુત્ર કિશન, ખ્વાજા પટેલ (66)ની પણ ધરપકડ કરી છે. રેખાદેવી ઉર્ફે શોભાનો પતિ શરાબી છે અને કામધંધો કરતો નથી. તેને પાંચ સંતાન છે. પૈસાની ખેંચ હોવાથી તે ગુજરાતમાં રોજના રૂ. 50 લેખે ઘરકામ કરતી હતી. આથી તે કિડની આપવા તૈયાર થઈ હતી. યુસુફ તેને મુંબઈમાં સર્જરી પૂર્વેનાં પરીક્ષણો કરાવવા માટે લાવ્યો હતો. યુસુફ કોન્ટ્રાક્ટ લેબરર છે અને તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દાતા શોધી આપવા સામે તગડું કમિશન આપવાની લાલચ બતાવવામાં આવી હતી. મજાની વાત એ છે કે રેખાને તેણે ધિરાણદાર પાસેથી લીધેલા રૂ. 20,000 ચૂકતે કરવા સાથે ઉપરથી તેને રૂ. 2 લાખ આપવાનું વચન અપાયું હતું. જોકે ભાંડો ફૂટી જતાં તેને રાતી પાઈ પણ મળી નથી.
કિડની કાઢી લેવાઈ છે કે નહીં તે સરકારી જે જે હોસ્પિટલમાં તપાસ
હાલમાં તે અને બ્રિજકિશોર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમને ડિસ્ચાર્જ અપાતાં જ ધરપકડ કરાશે. રેખાદેવીને પેટની નીચેના ભાગમાં ટાંકા છે. આથી તેની કિડની કાઢી લેવાઈ છે કે નહીં તે સરકારી જે જે હોસ્પિટલમાં તપાસ કરાશે. આ કેસનો સૂત્રધાર બ્રિજેન્દ્ર બિસેન ઉર્ફે સંદીપ (42) છે, જે થોડાં વર્ષ પૂર્વે પણ કિડની રેકેટમાં પકડાયો હતો, પરંતુ જામીન પર છૂટતાં ફરીથી આ ધંધામાં પડ્યો હતો. જયસ્વાલને રૂ. 25 લાખમાં આ કિડની મળવાની હતી. ગુજરાતથી હજુ વધુ લોકોની શોધ ચલાવવામાં આવી રહી છે, જેની માહિતી યુસુફ પાસેથી મળી શકશે, એમ પોલીસે જણાવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો, છ માસ અગાઉ પેટલાદના પંડોળીમાંથી કિડની કૌભાંડ બહાર આવ્યું....