આણંદ: ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધના વંટોળની અસર આણંદ જિલ્લાના તાલુકાઓમાં પણ વર્તાઇ રહી છે. ગુરૂવારે ઉમરેઠ, પેટલાદ, તારાપુર અને ખંભાત ખાતે દલિત સમાજના યુવકો, મહિલાઓની રેલી યોજાઇ હતી. તેમજ નગરના માર્ગો પર આ રેલી ફરીને સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું તેમજ અત્યાચાર ગુજારનારા તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
રેલીમાં ઉમરેઠ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સમર્થન આપ્યું
આ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરેઠ શહેરના માર્ગો રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ઉમરેઠ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સમર્થન આપ્યું હતું. તેમજ તેઓ પણ આ રેલીમાં જોડાયા હતા. સ્થાનિક મામલતદારને આ રેલી બાદ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જયારે દલિત સંગઠન દ્વારા સત્તા માગણીઓ સાથેની રજૂઆત કરાઇ હતી. પોલીસ દમન ગુજારનારા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી કરી હતી. જયારે પેટલાદ નગરમાં પણ ડો. આંબેડકર સંપર્ક અભિયાન દ્વારા વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે એક રેલી કાઢી હતી. આ રેલીમાં મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન પરમાર રમણભાઇ, માયાવંશી પરષોત્તમભાઇ, જયેશભાઇ જાદવ, અંબાલાલભાઇ તેમજ અન્ય આગેવાનો પણ હાજર રહ્યાં હતા. તેઓએ 17 મુદ્દાઓની માગણીઓ સાથેની રજૂઆતો કરી હતી. જયારે તારાપુર ખાતે બુધવારે આવેદનપત્ર આપ્યા બાદ એક રેલીનું આયોજન દલીત અધિકાર મંચ દ્વારા કરાયું હતું.
ખંભાત ખાતે પણ દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી
આ રેલીમાં મહિલાઓ અને ખાસ કરીને યુવાનો પણ જોડાયા હતા. તેમજ વર્તમાન સરકાર સામે દલિતો પર કરવામાં આવતા અત્યાચારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ બનાવ પોલીસ સ્ટેશનની નજીક બન્યો હોવા છતાં પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના પર જાણે પડદો પાડવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારીઓની સામે પણ કાર્યવાહી થાય તેવી માગણી કરી છે. સાથે સાથે જે પણ દલિતો પર અત્યાચાર થયો છે. તે તમામને વળતર ચુકવવાની સાથે સાથે જે પણ મારનાર ઇસમો છે. તેઓને પણ કડક સજા થવી જોઇએ. તેવી માગણી સાથેની રજૂઆત કરી હતી. આ ઉપરાંત ખંભાત ખાતે પણ દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન અત્યોદય વિકાસ શિક્ષણ સેન્ટરના હોદેદારોએ જણાવ્યું હતું કે, જે દલિત યુવાનો ભોગ બન્યા છે તેઓને મુખ્યમંત્રીના ફંડમાંથી નાણાકિય સહાય આપવી જોઇઅે, સમગ્ર પ્રકરણમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે ઉચ્ચસ્તરીય તપાસ ટીમ બનાવીને તપાસ કરાવવી જોઇએ. તેવી માગણી પણ કરી હતી.
જય ભીમ સમાજ સેવા દ્વારા શનિવારે રેલી નીકળશે
ગુજરાતમાં ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિત સમાજના લોકો ઉપર બેફામ અત્યાચાર ગુજારવાના વિરોધમાં જયભીમ સમાજ સેવા મંડળ કપડવંજના ટાઉનહોલ વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી તા. 23મી જુલાઈ 2016ને શનિવારે સવારે 10 કલાકે નીકળશે. આ રેલીમાં કપડવંજ શહેર અને તાલુકાના દલીત-પછાત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તેમ કપડવંજ જય ભીમ સમાજ સેવા મંડળના પ્રમુખ મનુભાઈ સોમાભાઈ પરમારે જણાવ્યુ હતું.
આગળ જુઓ વધુ તસવીર...