- ખંભોળજ ગામે કેટલાંક શખ્સો ટ્રેક્ટર સાથે દોરડું બાંધી ઝાડ પાડી રહ્યાં હતાં
આણંદ.ખંભોળજ ગામ પાસેના પ્રતાપપુરા રોડ પર કેટલાંક શખ્સો ટ્રેક્ટરને દોરડું બાંધી રોડની સામે આવેલા ઝાડ સાથે બાંધી ઝાડ પાડવાની કામગીરી કરી રહ્યા હતા. દરમ્યાન, બપોરે પોણા બે કલાકે આંકલાવના કહાનવાડી સ્થિત રહેતા ઉદેસિંહ બાબુભાઈ પઢીયાર અને તેમના પત્ની મંજુલાબેન બાઈક લઈને ત્યાંથી પસાર થતા હતા. એ સમયે મંજુલાબેનના ગળામાં દોરડું ફસાઈ ગયું હતું. જેને પગલે બાઈકસવાર દંપતિ નીચે પટકાયું હતું. દંપતિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી જે પૈકી મંજુલાબેનનું મોત નીપજ્યું હતું. આ અંગે ઉદેસિંહ પઢીયારે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.