• Gujarati News
  • Anand Until 16 June Can't Be Held Amul Dairy Chairman Election Latest News

અમૂલ ડેરીના ચેરમેનની ચૂંટણી 16 જૂન સુધી નહીં થઇ શકે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: અમૂલ ડેરી)
-અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ રાજ્ય સરકારે મંડળમાં વધુ 3 સભ્યોની નિમણૂક કરતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો
-હાઇકોર્ટમાં 16 જૂનની મુદ્દત: કોર્ટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી નવાં ચૂંટાયેલાં સભ્યોની બોર્ડ બેઠક પર મનાઇ

આણંદ:ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.(અમૂલ ડેરી)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્વે વધુ એક વખત વિવાદ છંછેડાયો છે. અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી બાદ રાજ્ય સરકાર દ્વારા 16 સભ્યોના મંડળમાં વધુ 3 સભ્યોની નિમણૂકની જાહેરાત કરતાં ફરી એક વખત મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડેરીમાં રાજ્ય સરકાર દ્વારા વધુ ત્રણ સભ્યોની કરાયેલી નિમણૂક સામે નિયામક મંડળમાં ચૂંટાયેલાં સભ્યો દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી.
આ સંદર્ભે બુધવારે હાઇકોર્ટ દ્વારા 16મી જૂનની મુદત આપી હતી. ત્યાં સુધી બોર્ડના નવાં ચૂંટાયેલાં સભ્યોની બેઠક બોલાવવા પર મનાઇ ફરમાવવામાં આવી છે, જેથી હવે 16 જૂન સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઇ શકશે નહીં. સૂત્રોના જણાવ્યાં મુજબ, અમૂલ ડેરીના નિયામક મંડળના 13 સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત અમૂલ વિકાસ પેનલે 10 બેઠકો કબજે કરીને બહુમતિ મેળવવા સાથે સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત અમૂલ પરિવર્તન પેનલે બે બેઠક અને અપક્ષે એક બેઠક કબજે કરીને અમૂલ ડેરીમાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યા હોવાના એંધાણ આપી દીધાં હતાં. અમૂલ ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 80(2) હેઠળ ત્રણ સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ માટે નોટિસ આપી હતી, જેની સામે અમૂલ ડેરીમાં નવાં ચૂંટાયેલાં કોંગ્રેસ પ્રેરિત વિકાસ પેનલના સભ્યોએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

આ સંદર્ભે બુધવારે હાઇકોર્ટમાં વેકેશન બેન્ચ દ્વારા 16મી જૂનની મુદ્દત આપવામાં આવી હતી. તેમજ કોર્ટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમૂલ ડેરીમાં યથાવત સ્થિતિ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશથી હવે 16 જૂન સુધી અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પણ થઇ શકશે નહીં.
અમૂલ ડેરીનું નિયામક મંડળ
12 ગ્રામ્ય દૂધ મંડળી દ્વારા ચૂંટાયેલાં સભ્યો
01 વ્યક્તિ સભાસદ દ્વારા ચૂંટાયેલાં સભ્ય
01 પ્રતિનિધિ જીસીએમએમએફ
01 જિલ્લા રજિસ્ટ્રાર
01 મેનેજિંગ ડિરેક્ટર, અમૂલ ડેરી