આણંદમાં કૂંટણખાનાનો પર્દાફાશ: દેહવ્યાપારનું મોટું નેટવર્ક પકડાયું, 3 ઝબ્બે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદમાં ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ વિસ્તારમાં ચાલતું કુટણખાનું એસઓજી પોલીસે ગ્રાહકના સ્વાંગમાં પોલીસ મિત્રને મોકલીને બુધવારે મોડી સાંજે ઝડપી પાડતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કુટણખાનું છેલ્લાં કેટલાંય સમયથી ચાલતું હતું અને તે અંગેની વારંવાર રજૂઆત કરવામાં આવતા આખરે એસઓજીએ કાર્યવાહી કરી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક શખ્સને હજુ પકડવાનો બાકી છે. પોલીસે તેમની પાસેથી એક કાર કબ્જે લઈ આગળની પૂછપરછ હાથ ધરી છે.
દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાની માહિતી એસઓજીને મળી
આ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદના ઈન્દિરા ગાંધી સ્ટેચ્યુ વિસ્તારમાં કારમાં ચાર શખ્સો દ્વારા દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાની માહિતી એસઓજીને મળતાં બુધવારે મોડી સાંજે એસઓજીએ ચારેય શખ્સોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે એક પોલીસમિત્રને ગ્રાહકના સ્વાંગમાં તેમની પાસે મોકલ્યા હતા. એ જ સમયે પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
એસઓજીએ હ્યુમન ટ્રાફિંકીગ એક્ટ હેઠળ ત્રણેય શખ્સોની ધરપકડ કરી
પોલીસે તેમની પૂછપરછ કરતાં એક શખ્સ અમિતભાઈ નરસિંહ વસાવા (રહે. લીંમડી ચોક, આણંદ), બીજો અજયભાઈ ભરતભાઈ વાઘેલા (રહે. લોટીયાભાગોળ, આણંદ), અને ત્રીજો શખ્સ ચંદ્રકાન્ત ઉર્ફે ખુશી ફતેસિંહ રાઠોડ (રહે. લોટીયાભાગોળ, આણંદ) હોવાનું જણાવ્યું હતું. અમિતભાઈ વસાવા અને અજયભાઈ વાઘેલા કારની આગળ બેઠા હતા. તેઓ કારનો ઉપયોગ કરી ગ્રાહકો લઈ આવતા હતા. જ્યારે ચંદ્રકાન્ત ઉર્ફે ખુશી ફતેસિંહ રાઠોડ રાજ્ય અને રાજ્ય બહારથી યુવતીઓ આણંદમાં લાવતો હોવાની કબુલાત કરી હતી. જ્યારે ફરાર શખ્સ લક્ષ્મણ કાળીદાસ મારવાડી (રહે. તક્ષશીલા એપાર્ટમેન્ટ, આણંદ) કસ્ટમર શોધવાનું અને તેને અહીં સુધી પહોંચાડવાનું કામ કરતો હતો. હાલમાં એસઓજીએ હ્યુમન ટ્રાફિંકીગ એક્ટ હેઠળ ત્રણેય શખ્સોની ધરપકડ કરી તેમની પાસેથી રૂા. અઢી લાખની કાર કબ્જે લઈ આ કાંડમાં અન્ય કેટલાં શખ્સો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે.શહેરનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાલી ફ્લેટોમાં આ બદી ફૂલીફાલી છે અવારનવાર બહારથી યુવતીઓને લાવીને દેહવ્યાપાર કરાવવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...