આણંદ જકાત નાકાથી લાંભવેલના કાંસ પરના દબાણો દુર કરવા માગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: આણંદ જકાત નાકાથી લાંભવેલને જોડતાં મુખ્ય કાંસ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. સાથે સાથે તંત્ર દ્વારા પણ કાંસની તકેદારી રાખવામાં ન આવતાં આડેધડ રીતે દબાણ વધી રહ્યા છે. જેના કારણે કાંસ પુરાઇ ગયો છે. જેથી ચોમાસામાં વરસાદ પડે ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ઇસ્માઇલનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જાય છે. જેથી આ બાબતે તંત્ર દ્વારા ચોમાસા પહેલા કાંસ પરના દબાણો દુર કરી તેની સફાળ કરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.

છેલ્લાં કેટલાય સમયથી આ કાંસની સફાઇ ના કરાતા ચોમાસામાં પાણી ભરાઇ જવાની શક્યતા

આણંદ શહેરના ઇસ્માઇલનગર, પાધરીયા વિસ્તાર, ગામડી વગેરે વરસાદી પાણીના નિકાલ માટે જકાત નાકાથી લાંભવેલને જોડતો મુખ્ય કાંસ આવેલો છે. છેલ્લા પાંચેક વર્ષથી આ વિસ્તારમાં સોસાયટીઓ વધી ગઇ છે. કાંસના પાછળના ભાગે રસ્તો પડતો નથી. જેથી કેટલીક સોસાયટીઓના રહીશો દ્વારા કાસમાં નાનકડી પાઇપ મુકીને ઉપર માટીપુરાણ કરી રસ્તા બનાવી દીધા છે. તો વળી કેટલાક રહીશોએ મકાનના પાછળના ભાગે દુકાનો પાળીને કાંસ ઉપર રસ્તો બનાવી દીધો છે.આ ઉપરાંત કાંસની નજીક જ મોટા મોટા કોમ્પ્લેકસો ગેરકાયદે રીતે તાણી બાંધવામાં આવ્યા છે.

આ ઉપરાંત કાંસની સફાઇના અભાવે ઝાડી-ઝાંખરા અને કચરો ભરાઇ જતાં કાંસની બીલકુલ સાંકડો બની ગયો છે. કેટલાક સોસાયટીઓના રહીશો દ્વારા ગેરકાયદે રીતે કાંસમાં ગટરના જોડાણ આપી દીધા છે. જેના કારણે બારેમાસ ગટરના ગંદા પાણીથી કાંસ ભરાયેલો હોય છે. જેના કારણે ભારે દુર્ગંધ મારે છે. આ કાંસમાંથી પીવાના પાણીની પાઇપલાઇનો પણ પસાર થાય છે. તેમ છતાં તંત્ર દ્વારા કાંસની સફાઇ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ ઉપરાંત પાલિકાતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર રીતે કાંસની નજીક જ દુકાનો બનાવનાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

જેથી કાંસ પુરાઇ જતાં ભારે વરસાદ પડે ત્યારે ઇસ્માઇલનગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ થતો ન હોવાથી ઠેર-ઠેર પાણી ભરાવાના બનાવો બને છે. સાતેક વર્ષ અગાઉ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાઇ જતાં કેટલાક પરિવારોને નુકસાન થયું હતું. જેથી તંત્રને કેશડોલ ચુકવવાનો વખત આવ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદની શરૂઆત થાય તે પહેલાં કાંસ પરથી દબાણો દુર કરીને સાફ કરવામાં આવે તેમ આ વિસ્તારની જનતા ઇચ્છે છે.

કાંસની સફાઇ ટુંક સમયમાં હાથ ધરાશે

જકાત નાકાથી લાંભવેલને જોડતાં કાંસમાં ગેરકાયદે ગટરના જોડાણો આપી દીધા છે અને દબાણ કરવામાં આવ્યા છે. કચરો પણ કાંસમાં જ ઠાલવે છે. જેથી ભારે દુર્ગંધ મારે છે. ગત વર્ષે કાંસની સફાઇ કરવવા માટે કર્મચારીઓ ગયા હતા. પરંતુ ભારે દુર્ગંધને કારણે તેઓ કામ કરી શકયા ન હતા. આ ઉપરાંત કેટલાક લોકોએ કાંસની સફાઇ કરતાં પણ અટકાવ્યા હતા. પરંતુ ટુંક સમયમાં આ કાંસની સફાઇ કરવામાં આવશે. - પી.વી.પટેલ, કાર્યપાલક ઇજનેર, કાંસ વિભાગ આણંદ
અન્ય સમાચારો પણ છે...