તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ: અસંગઠિત કામદારો ફક્ત આધારકાર્ડની નકલ આપી ખાતુ ખોલાવી શકે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ:આણંદ જિલ્લાના અસંગઠિત કામદારોના બેંકમાં ખાતાં ન હોય તો તેને તંત્રની મદદથી નજીક બેંકમાં ખાતુ ખોલાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં માત્ર બે દિવસમાં અસંગઠિત ક્ષેત્રના 2272 લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યાં છે. જોકે, જે લોકો પાસે પુરતા પુરાવા ન હોય તો તેઓ ફક્ત આધારકાર્ડની નકલ આપીને પણ ખાતુ ખોલાવી શકે છે.
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 7મી ડિસેમ્બર સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવી
કેન્દ્ર સરકારે ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે પણ રાજ્યભરમાં ડિઝીટલ પેમેન્ટનો વ્યાપ વધે અને લોકો પ્રોત્સાહિત થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ નક્કર આયોજન થઇ રહ્યું છે. આણંદ જિલ્લામાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતા ખેત મજુર, ખેડૂતો, બાંધકામના શ્રમિકો, કડિયા નાકા ઉપર મજુરી મેળવવા ઉભા રહેતા શ્રમિકો, શાકભાજી, એપીએમસીમાં કામ કરતા શ્રમિકો, ઘરઘાટીના બેંક ખાતા ખોલવા માટે કલેક્ટર ડો. ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ 7મી ડિસેમ્બર સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આધાર કાર્ડની નકલ આપી જનધન યોજના હેઠળ બેંક ખાતુ ખોલાવી શકે
આ ઝુંબેશ હેઠળ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતા 2272 શ્રમજીવીઓના ખાતા ખોલવામાં આવ્યાં હોવાનું લીડ બેંકના મેનેજરે જણાવ્યું હતું. અસંગઠિત ક્ષેત્રે કામ કરતા અને બેંક ખાતા વિહોણા લોકો પોતાની નજીકની બેંકમાં આધાર કાર્ડની નકલ આપી જનધન યોજના હેઠળ બેંક ખાતુ ખોલાવી શકે છે. આ ઉપરાંત ખાતુ ખોલાવા સાથે જો ખાતેદાર રૂા.350 જમા કરાવે તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતી યોજના હેટળ રૂા.ચાર લાખનું સુરક્ષા વીમા કવચ પણ મેળવી શકે છે.
ગ્રામ પંચાયત કે બેંક મિત્રનો સંપર્ક કરી શકાય
આણંદ જિલ્લાની તમામ 360 રાષ્ટ્રિયકૃત બેંકમાં ખાતા ખોલવાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં જિલ્લામાં 200 જેટલાં બેંક મિત્રો પણ આ કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત જે ગામમાં બેંકની શાખા નથી, તેવા ગામના લોકો ગ્રામ પંચાયત કે બેંક મિત્રોનો સંપર્ક કરી બેંકમાં ખાતુ ખોલાવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...