આણંદ: અમૂલ ડેરી સંલગ્ન ગ્રામ્ય દૂધ મંડળીઓમાંથી દૂધ ઉત્પાદકોને હવે દૂધ ભર્યાની રિસિપ્ટ એસએમએસથી મળશે. જેમાં દૂધની માત્રા, દૂધનો ફેટ, અને તેને મળેલ નાણાંની વિગતો હશે. આ ઉપરાંત દૂધ ઉત્પાદકને તેના એકાઉન્ટની સંપૂર્ણ વિગતો મોબાઇલ એપ્લીકેશન દ્વારા મેળવી શકશે. અમૂલ ડેરી દ્વારા દરેક ગામની દૂધ મંડળીઓમાં એક સરખું કમ્પ્યુટર સોફ્ટવેર અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં 152 દૂધ મંડળીમાં ઓનલાઇન સિસ્ટમ શરૂ થઇ ગઇ છે. વર્ષ 2017 સુધીમાં તમામ ગ્રામ્ય દૂધ મંડળીઓને આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવશે. એમ અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું.
દૂધ ઉત્પાદકોને હવે એસએમએસથી દૂધ ભર્યાની રિસિપ્ટ મળશે
અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર ડો.કે.રથ્નમે જણાવ્યું હતું કે ‘અમૂલ ડેરીકક્ષાએ દરેક દૂધ મંડળીઓનું નિયંત્રણ શક્ય બને તથા અદ્યતન સોફ્ટવેરના લાભ દરેક મંડળી, મંડળીના સભાસદો તથા સંઘને મળે તે હેતુથી દરેક મંડળીઓમાં એક સરખું કમ્પ્યુટર સોફ્ટવેર અમૂલ-ઓટોમેટિક મિલ્ક કલેકશન સિસ્ટમ સ્થાપિત કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક મંડળીઓમાં એક સરખા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતાં સેન્ટ્રલ ડેટાબેઝ, વેબ એપ્લીકેશન, સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ, ડેટા સિક્યુરીટીમાં સુધારો તેમજ એસએમએસથી નોટિફિકેશન જેવા લાભ મળી શકશે.
વર્ષ 2017 સુધીમાં તમામ દૂધ મંડળીને આવરી લેવામાં આવશે
આ સિસ્ટમની મદદથી દરેક સભાસદને મોબાઇલ ફોન પર એસએમએસ દ્વારા દૂધ ભર્યાની રિસિપ્ટ પ્રાપ્ત થશે, જેમાં દૂધની માત્રા, દૂધનો ફેટ અને તેના મળેલ નાણાંની વિગતો પ્રાપ્ત થશે. સભાસદ એટલે દૂધ ઉત્પાદક તેના એકાઉન્ટની સંપૂર્ણ વિગત મોબાઇલ એપ્લીકેશન દ્વારા મેળવી શકશે. તેમજ મંડળીના ચેરમેન અને સેક્રેટરી પણ પોતાના સ્માર્ટ ફોન પર દૂધ મંડળીની તમામ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત ઓનલાઇન પરિપત્ર પણ મેળવી શકશે. દરેક દૂધ મંડળીની પોતાની વેબસાઇટ બનશે જેમાં દૂધ મંડળીની વિગત આ સિસ્ટમની મદદથી ઓનલાઇન મુકવામાં આવશે. અમૂલ ડેરીની 152 મંડળીને આ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવી છે. વર્ષ 2017 સુધીમાં તમામ દૂધ મંડળીને આવરી લેવામાં આવશે.’
આગળની સ્લાઇડમાં વાંચો, ફોન પર જ મળી જાય છે તમામ વિગતો....