આણંદ: અમૂલનું વિશ્વમાં 13મું સ્થાન, GCMMFએ જાહેર કરેલી ટોપ 20 ડેરીમાં સમાવેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરનાર ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.(જીસીએમએમએફ)નું વર્ષ 2015-16નું ટર્નઓવર રૂ.23 હજાર કરોડ પર પહોંચ્યું છે. છેલ્લા છ વર્ષમાં અમૂલના વેચાણમાં 187 ટકા વધારો થયો છે. જે 19.2 ટકાનો સરેરાશ વૃધ્ધિ દર દર્શાવે છે. તેમજ જીસીએમએમએફના 17 દૂધ સંઘો દ્વારા વેચાણ કરવામાં આવતાં દૂધ અને દૂધની બનાવટોનું અનડુપ્લીકેટ ટર્નઓવર રૂ.33 હજાર કરોડ એટલે કે યુએસડી 5 બિલિયન નોંધાયેલ છે. ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક(આઇએફસીએન) દ્વારા પ્રસિધ્ધ કરાયેલ આંકડાઓમાં વૈશ્વિકકક્ષાએ અમૂલને 13મું સ્થાન મળ્યું છે. અમૂલ વિશ્વની પ્રસિધ્ધ કંપનીઓ જેમ કે યુએસએની લેન્ડ ઓ લેક્સ, જર્મનીની મૂલર અને ફ્રાન્સની ગ્રુપ સોડીઆલ અને ચાઇનાની મેંગ્નીયુ કરતાં પણ આગળ છે.
GCMMFની વાર્ષિક સાધારણ સભા ચેરમેનની ઉપસ્થિતિમાં યોજાઇ

જીસીએમએમએફની વાર્ષિક સાધારણ સભા ચેરમેન જેઠાભાઇ પટેલની અધ્યક્ષતામાં આણંદ ખાતે યોજાઇ હતી. સભામાં 17 દૂધ સંઘો પૈકી 15 દૂધ સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. સભા સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. જીસીએમએમએફની બોર્ડ બેઠક અને વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક ટર્નઓવર અને વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જીસીએમએમએફના ચેરમેન જેઠાભાઇ પટેલે જણાવ્યું હતું કે ‘છેલ્લા બે વર્ષથી વિશ્વભરના ખેડૂતોને મળતા દૂધના ભાવમાં જબરજસ્ત ઘટાડો થયો છે ત્યારે અમૂલ પરિવારના ખેડૂતોને દૂધના ભાવ ઉંચા આપવામાં આવ્યા છે. ખેડૂતોને દૂધના ભાવમાં 17 ટકાનો વધારો આપવામાં આવ્યો છે. છેલ્લા છ વર્ષમાં દૂધ પ્રાપ્તિમાં 87 ટકા જેટલો વધારો થયો છે. જેની સામે અમૂલ દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવતાં દૂધના ભાવ છેલ્લા છ વર્ષમાં બમણા થયા છે.’

અમૂલનું ટર્નઓવર રૂ.23 હજાર કરોડ પર પહોંચ્યું: અમૂલના વેચાણમાં વધારો

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ‘જીસીએમએમએફ દ્વારા દૂધ પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારીને 280 લાખ લિટર પ્રતિદિન સુધી પહોંચાડી દીધી છે. જેમાં ફરીદાબાદ ખાતે રોજના 10 લાખ લિટર દૂધ પર પ્રક્રિયા કરવાનો નવો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. તેમજ આ વર્ષે પણ અનેક મુખ્ય પ્રોજેક્ટના વિસ્તરણનું કામ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.રોહતક ખાતે છ લાખ લિટર ક્ષમતા પ્રતિદિન, ગુજરાતમાં અમરેલી ખાતે બે લાખ લિટર પ્રતિદિન ક્ષમતા અને કચ્છમાં 50 હજાર લિટર પ્રતિદિનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં છાસ અને દહીંના ઉત્પાદન માટે પણ સુવિધાઓ છે. ફલેવર્ડ મિલ્કની શ્રેણીમાં પેટ બોટલ પેકેજિંગની ઊંચી ક્ષમતા ધરાવતી બે લાઇનો પણ શરૂ કરી છે.’ અમૂલ વિવિધ પ્રોડકટનો વધારો કરી રહ્યું છે.
આગળની સ્લાઇડમાં વાંચો, લાલ લાઇટ આવે એટલે બેઠક લાંબી ચાલે...
અન્ય સમાચારો પણ છે...