આણંદ: કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, 18મી જુલાઇએ ફાઇનલ મેરીટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: ગુજરાત રાજ્યની આણંદ, નવસારી, જૂનાગઢ અને સરદાર કૃષિનગર દાંતીવાડા એમ ચાર કૃષિ યુનિવર્સિટી તેમજ કામધેનુ યુનિવર્સિટીમાં ધો.12 સાયન્સ બાદ સ્નાતકકક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. કૃષિ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

18મી જુલાઇએ ફાઇનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરાયા બાદ કાઉન્સેલિંગ થશે

આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.એન.સી.પટેલે જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તેમજ કામધેનુ યુનિવર્સિટીમાં ધો.12 સાયન્સ પછીના સ્નાતકકક્ષાના વિવિધ અભ્યાસક્રમો માટે 9મી જૂનથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેની માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. વેબસાઇટ પરથી બેંક ચલણ પ્રિન્ટ કરી નિયત અરજી ફી એચડીએફસી બેંકની કોઇપણ શાખામાં ભરવાની રહેશે.

બેંકમાં ચલણની અરજી ફી ભર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ચલણ નંબર દર્શાવી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ નક્કી કરાયેલા કોઇપણ હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્ર સાથે ઓનલાઇન ફોર્મની ચકાસણી 2જી જુલાઇ સુધીમાં કરાવીને જમા કરાવવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ અરજી-પ્રમાણપત્રોની નકલો હેલ્પ સેન્ટર ખાતે જમા નહીં કરાવેલ હોય તેવા ઉમેદવારોની ઓનલાઇન અરજી માન્ય ગણાશે નહીં તેમજ મેરીટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે નહીં.

11થી 13મી જુલાઇ દરમિયાન કામચલાઉ મેરીટ યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોની વિગતોમાં ભૂલ જણાય તો સુધારા માટે હેલ્પ સેન્ટર ખાતે સંપર્ક કરવાનો રહેશે. ફાઇનલ મેરીટ યાદી 18થી 21મી જુલાઇ દરમિયાન પ્રસિધ્ધ કરવામાં આવશે. 21થી 29મી જુલાઇ દરમિયાન રૂબરૂ કાઉન્સેલિંગ માં ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.’
અન્ય સમાચારો પણ છે...