• Gujarati News
  • આણંદ જિલ્લાનાં 13 ગામોને અલર્ટ કરાયાં

આણંદ જિલ્લાનાં 13 ગામોને અલર્ટ કરાયાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાનીઅવિરત મહેરથી ગુજરાતમાં તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. વાસણા બેરેજમાંથી સાબરમતી નદીમાં સાંજના બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના બે અને તારાપુર તાલુકાના અગિયાર ગામો મળીને તેર ગામોને અલર્ટ કરવામાં આવ્યાં હતા. તંત્ર દ્વારા સાંજના સાવચેતીના ભાગરૂપે ટીમો તૈયાર કરીને ગામોમાં રવાના કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં બુધવારે આકાશમાં છવાયેલાં વાદળો વચ્ચે કયાંક ઝરમર તો કયાંક હળવો વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ થવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.

આણંદ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જે.બી.સોલંકીએ જણાવ્યું હતું કે ‘મહિસાગર નદીમાં 1 લાખ 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. તેમજ વાસણા ડેમમાંથી સાબરમતી નદીમાં સવારના 38 હજાર ઉપરાંત ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેનાં પગલે ખંભાતમાં બે અને તારાપુરના અગિયાર મળીને કુલ તેર ગામોને અલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ગામોમાં સ્થળાંતરની તૈયારી શરૂ કરવામાં આવી હતી. જોકે, બપોરના પાણીનો પ્રવાહ ઘટી જતાં સ્થળાંતરને અટકાવવામાં આવ્યું હતું.’

તારાપુરના નાયબ મામલતદાર જીતેન્દ્ર દેસાઇએ જણાવ્યું હતું કે ‘સાંજના સાબરમતી નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી પુરનું જોખમ હોવાથી કાંઠાગાળાનાં તેર ગામોને ફરી અલર્ટ કરવામાં આવ્યાં હતાં. તેમજ સાંજના સાવચેતીના ભાગરૂપે ટીમો તૈયાર કરીને ગામોમાં રવાના કરવામાં આવી હતી. દરેક ટીમને બે ગામની જવાબદારી સોંપવામાં આવી હતી. ગામમાં સરપંચ, તલાટી, તરવૈયા, શાળાના શિક્ષકોને જરૂરી સાઘનો સાથે સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી હતી.’

ચાર દિવસથી અવિરત વરસી રહેલાં વરસાદનું જોર બુધવારે ઘટ્યું હતું. આણંદ જિલ્લામાં દિવસ દરમિયાન આકાશમાં છવાયેલાં ગાઢ વાદળો વચ્ચે ક્યાંક ઝરમર તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો હતો. વરસાદનું જોર ઘટતાં તંત્ર સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. જિલ્લાના બોરસદ, આંકલાવ, પેટલાદ અને સોજિત્રામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આણંદ, ખંભાત, તારાપુર અને ઉમરેઠમાં વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. દિવસ દરમિયાન વાદળોની ઘેરાબંધીથી વરસાદી માહોલ રહ્યો હતો. જ્યારે આગામી િદવસમાં વરસાદનું જોર ઓછું થઇ જવાનો વર્તારો કરાયો છે.

સાત સ્થળોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા આયોજન

હાલમાંસાબરમતી નદીમાં છોડાયેલું પાણી બુધવારની મોડી રાત સુધીમાં ખંભાત અને તારાપુરના તાલુકાના અસર કરતા નીંચાણવાળા ગામો તરફથી પસાર થઇ શકે છે. જો પાણીનો ફલો વધારે હોય અને સ્થાળાતંર કરવાની જરૂરિયાત ઉભી થાય તો વહીવટી તંત્ર દ્વારા સાત સ્થળોએ વૈકલ્પિક વ્યવસથા ગોઠવી છે. જેમાં કન્યાશાળા,કુમાર શાળા, સાર્વજનિક હાઇસ્કૂલ, એ.પી.એમ.સી. તારાપુર તેમજ એક ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે.

ડેમમાંથી પાણી છોડાતા એલર્ટ

^ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેથી સાબરમતીનદીમાં બે લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે વાસણા બેરેજ મારફતે સાબરમતી નદીમાં ઠલવાતાં તેની અસર બુધવારે રાત સુધી ખંભાત અને તારાપુર તાલુકાના ગામડાઓમાં દેખાય તેવી શક્યતા હોવાથી નીંચાણ વિસ્તારમાં આવેલા 12 ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. > ડો.ધવલપટેલ, જિલ્લાકલેક્ટર, આણંદ.

અધિકારીઓ રાત્રે વિઝિટ કરશે

^સાબરમતીનદીમાં પાણી છોડવાને કારણે તમામ સ્થાનિક કક્ષાના મામલતદાર,પ્રાંત અધિકારી તેમજ નાયબ મામલતદારને ખડે પગે રહેવા આદેશ કરવામાં આવ્યા છે. તેમજ પાણીની આવકને ધ્યાનમાં લઇને મામલતદાર, પ્રાંતઅધિકારી રાત્રે એલર્ટ કરવામાં આવેલા ગામડાઓની મુલાકાત પણ લેશે તેમજ જરૂર જણાય તેઓનું સ્થાળંતર કરાવશે. સાથે સાથે તાલુકા વિકાસ અધિકારી કંન્ટ્રોલ રૂમ સંભાળશે જે મિનિટે મિનિટની માહિતી આપશે. > બ્રિજેશમોડિયા, મામલતદાર,તારાપુર.

તારાપુર-વટામણ બગોદરા પુલ નીચેથી વહી રહેલ સાબરમતીના નીર.

14.2 કિમીની ઝડપે પવન ફૂંકાયો

આણંદકૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, બુધવારે મહત્તમ તાપમાન 26.8 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી, ભેજનું પ્રમાણ 90 ટકા, પવનની ઝડપ 14.2 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ-પશ્ચિમ નોંધાઇ હતી.

વરસાદનું જોર નબળું પડવાનો વર્તારો

ભારતમોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં વરસાદનું જોર નબળું પડવાનો વર્તારો કરવામાં આવ્યો છે. 30મી જુલાઇથી 3જી ઓગસ્ટ દરમિયાન છુટોછવાયો વરસાદ થઇ શકે છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેશે. અનુકૂળ વરસાદ અને વાતાવરણનાં પગલે ડાંગરનાં ધરૂની ફેરરોપણી કરવા ખેડૂતોને સૂચવ્યું છે.

આણંદ જિલ્લામાં થયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમી)

આણંદ 29

ઉમરેઠ 21

બોરસદ 13

આંકલાવ 17

પેટલાદ 25

સોજિત્રા 25

ખંભાત 38

તારાપુર 32

સાબરમતી નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ખંભાત-તારાપુર તાલુકાના કાઠાં વિસ્તારનાં ગામોમાં તંત્ર ખડે પગે : આણંદના આકાશમાં છવાયેલાં ગાઢ વાદળો વચ્ચે છુટાંછવાયાં વરસાદનાં ઝાપટાં

ગ્રામજનોને તાલુકા મથકે લાવવાની જવાબદારી સોંપાઇ

તારાપુર અને ખંભાત તાલુકાના ગામડાઓમાં જો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી જાય તો તેઓને સ્થળાંતરિત કરવા માટેની તૈયારી પણ તંત્ર ગોઠવી દીધી છે. ગ્રામપંચાયત કક્ષાએ સરપંચ તેમજ દરેક વોર્ડના સભ્યો સાથે બેઠક કરીને પ્રજાજનોને તાલુકા મથકે લાવવા માટેના વાહનોની તૈયારી પણ કરવામાં આવી છે.