• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ગુજરાત સરકારના ઠરાવ મુજબ આંતરિક બદલી ઇચ્છતાં શિક્ષકોએ હવે ઓનલાઇન ફોર્મ ભરવું પડશે

ગુજરાત સરકારના ઠરાવ મુજબ આંતરિક બદલી ઇચ્છતાં શિક્ષકોએ હવે ઓનલાઇન ફોર્મ ભરવું પડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિકશાળામાં ફરજ બજાવતાં અને જિલ્લામાં આંતરિક બદલી ઇચ્છતાં શિક્ષકોની બદલીની પ્રક્રિયા હવે ઓનલાઇન થશે. ગુજરાત સરકારના ઠરાવ પ્રમાણે શિક્ષકોએ બદલી માટે ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. આણંદ જિલ્લાના શિક્ષકો 28 મેથી 1 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેનાં ઓર્ડર 6ઠ્ઠી જૂને ડિસપ્લે કરવામાં આવશે.

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યાં મુજબ, અત્યાર સુધી જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ શિક્ષકોના બદલી કેમ્પ યોજવામાં આવતાં હતાં. જોકે, હવે શિક્ષકોની બદલીની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા કરાયેલાં ઠરાવ પ્રમાણે જિલ્લામાં આંતરિક બદલી ઇચ્છતાં પ્રાથમિક શિક્ષકોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. 28 મેના રોજ સવારના 11 વાગ્યાથી 1લી જૂનનાં રાત્રિનાં 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. જેની વેબસાઇટ પર જિલ્લામાં શિક્ષકોની ખાલી પડતી જગ્યાઓ દર્શાવવામાં આવેલી હશે, જેનાં પર શિક્ષકોએ પસંદગી પ્રમાણે ક્રમાંક આપવાના રહેશે.

ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને તેનાં પર શાળાના મુખ્ય શિક્ષકની સહી અને સિક્કા કરાવીને જરૂરી આધાર પુરાવાઓ સાથે 2જી જૂન સુધીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવવાના રહેશે. 2જી જૂને કાર્યવાહી પૂર્ણ થયાં બાદ 6ઠ્ઠી જૂનના રોજ ઓનલાઇન શિક્ષકોના ઓર્ડર ડિસપ્લે કરવામાં આવશે. સરકારના નિયમ મુજબ શિક્ષકને જગ્યા મળવાપાત્ર હોય અને ઓર્ડર ડિસપ્લે થયો હોય તો તેની પ્રિન્ટ કાઢીને સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી ખરાઇ કરાવવાની રહેશે.

ત્યારબાદ સંબંધિત શાળામાં હાજર થવાનું રહેશે. બદલી બાદ સંબંધિત શાળામાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બીજા તબક્કામાં ઓનલાઇન બદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકોની આંતરિક ઓનલાઇન બદલીની સફળતા બાદ જિલ્લા ફેરબદલીની પ્રક્રિયા પણ ઓનલાઇન કરવામાં આવશે. જેનો લાભ િજલ્લાના િશક્ષકોએ લેવો જોઇએ.

પ્રાથમિક શિક્ષકોની બદલી ઓનલાઇન થશે

અન્ય સમાચારો પણ છે...