ચરોતરમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં મોડી સાંજના એકાએક તેજ ગતિએ પવન ફુંકાવા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફુંકાયા બાદ ઝરમર વરસાદ શરૂ થતાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી પરેશાન લોકોએ થોડી રાહત અનુભવી હતી. જોકે બપોરના પણ વરસાદનું હળવું ઝાપટું પડ્યું હતું. આગામી પાંચ દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ થવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.

બે દિવસથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આકાશમાં વાદળોની અવરજવર સાથે વરસાદી માહોલ બન્યો છે. શુક્રવારે સવારથી વાદળો હટી જતાં ગરમી અને અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણથી લોકો પરસેવે ભીંજાયા હતા. બપોરના ત્રણ વાગ્યા બાદ એકાએક વરસાદ શરૂ થતાં ઝાપટું પડી જતાં લોકોએ રાહત અનુભવી હતી. ત્યારબાદ વાદળોની અવરજવરથી વાતાવરણ અંશત: વાદળછાયું રહ્યું હતું. મોડી સાંજના એકાએક તેજ ગતિએ પવન ફુંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પવન ફુંકાવા સાથે આણંદ શહેરમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી. પવન ફુંકાયા બાદ ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.

ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 17થી 21મી સપ્ટેમ્બર દરમિયાન મહતમ તાપમાન 36 ડિગ્રી રહેશે.

વીજઉપકરણોને નુકશાન

નડિયાદનાપીપલગ રોડ પર આવેલી વસંતવિહારમાં વાવાઝોડાના કારણે વીજ હાઈ વોલ્ટેજ થતાં વીજઉપકરણોને નુકશાન થયુ હતું. જેમાં મોટાભાગના ટીવી બળી ગયા હતા. ઉપરાંત શુક્રવારના રોજ પણ નડિયાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં તેજ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે શહેરના અનેક વિસ્તારમાં લાઇટો ગુલ થઇ ગઈ હતી.

આણંદમાં શુક્રવારની સાંજે વાવાઝોડાની જેમ પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરી છવાઇ ગઇ હતી.

હવામાન | પાંચ દિવસમાં છુટોછવાયો વરસાદ થવાનો હવામાન વિભાગનો વર્તારો : અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે રાહત થઇ

આણંદ - ખેડામાં મોડી સાંજે વાતાવરણ પલટાયું : તેજ પવનના કારણે ઝાડ પડતાં અંધારપટ છવાયો

અન્ય સમાચારો પણ છે...