તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • મહિલાઓના હક્ક માટે તમામ રાજ્યોના સીમાડા ખૂંદી નાંખ્યા

મહિલાઓના હક્ક માટે તમામ રાજ્યોના સીમાડા ખૂંદી નાંખ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર7 ધોરણ સુધી ભણેલા છે, પણ ગુજરાત નહીં રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુપી, બિહાર કે દેશનું કોઇપણ રાજ્ય હોય તેમજ છેક નેપાલ સુધી મહિલાઓને ન્યાય અપાવવા પહોંચ્યા છે. દરેક રાજ્યોની પોલીસના સંપર્ક નંબરો પણ ધરાવે છે. છેલ્લા બાવીસ વર્ષમાં પાંચ હજાર ઉપરાંત મહિલાઓ માટે ન્યાયની લડત આપી છે. તેમજ એક હજાર ઉપરાંત બાળકોનો કબ્જો મેળવીને માતાને સોંપ્યા છે. ઘરેલું હિંસાનો ભોગ બન્યાં બાદ અડાસ ગામના પ્રવિણાબેન મહિડા મહિલાઓના હક્ક માટે લડત આપવાનું બીડું ઝડપ્યું. આણંદ જાગૃતિ મહિલા સંગઠનમાં સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવતાં પ્રવિણાબેન મહિડાને મહિલાઓના કિસ્સામાં પોલીસ પણ પડકાર આપતાં વિચાર કરે છે.

મહિલાઓના હક્ક માટે જીવન વ્યતિત કરતાં પ્રવિણાબેન મહિડા રાતદિવસ જોયા વિના પોતાનો જીવ જોખમમાં મૂકીને ન્યાય માટે લડત આપે છે. માત્ર 7 ધોરણ ભણેલા છે પણ એક એડવોકેટ કરતાં પણ ચઢિયાતાં છે. પ્રવિણાબેન મહિડાએ જણાવ્યું કે ‘સાસરીમાં ત્રાસ આપતાં હોઇ અડાસ ગામે રહેતાં ભાઇના ઘરે આવી હતી. ત્યાં એક વખત જાગૃત મહિલા સંગઠન દ્વારા શેરીનાટક યોજવામાં આવ્યું હતું. તેમનાથી પ્રેરાઇને જાગૃત મહિલા સંગઠનમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં મને મહિલાઓના કેસની સ્થાનિક તપાસમાં મોકલવામાં આવે તો પણ મને ડર લાગતો હતો. હવે ગુજરાત નહીં દેશના કોઇપણ રાજ્યમાં જઇને મહિલાઓ માટે અવાજ ઉઠાવું છું.’ જીવને જોખમમાં મુક્યો હોય તેવી એક ઘટના વિશે પ્રવિણાબેન મહિડાએ જણાવ્યું હતું કે ‘જાગૃત મહિલા સંગઠનના કાર્યાલય પર આવેલી એક યુવતિ અત્યંત ગભરાયેલી હતી અને તેની પાસે દાગીના હતા. મૂળ વડોદરાની યુવતિ તેના પ્રેમી સાથે ભાગીને આણંદ આવી હતી, પણ પ્રેમી તેને આણંદના બસસ્ટેશન પર છોડીને ભાગી ગયો હતો. જેથી યુવતિના પ્રેમીને ઝડપવા માટે સાંજના ચાર વાગ્યે અમે નીકળી પડ્યા. પોલીસને સાથે લઇને ગોધરાથી આગળ આવેલ ઘોઘમ્બા ગામે પહોંચ્યા ત્યારે રાત્રિના દસેક વાગ્યાનો સમય હતો. પોલીસની ગાડી ગામમાં પહોંચતાં યુવકે ભાગવાનો પ્રયાસ કરતાં મેં તેને ઝડપી પાડ્યો. દ્દશ્ય જોઇને યુવકની માતા પોલીસની ગાડી પર ચઢીને બૂમાબૂમ કરતાં ગામમાંથી લોકો તીરકામઠાં સાથે ઘસી આવીને હમારી પર હૂમલો કર્યો, સમયે અમારી નજર સામે મોત દેખાઇ રહ્યું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં પણ યુવતિને સહીસલામત પરત લઇને આવ્યા હતા.’

ઘરેલું હિંસા ભોગ બનેલી મહિલાઓ માટે આશાનું કિરણ બની રહેલા પ્રવિણાબેન મહિડાએ જણાવ્યું કે ‘મહિલાઓ કોર્ટમાં ખાધાખોરાકી કે ઘરેલું હિંસાનો કેસ કરે અને નિકાલ ના અાવતો હોય તેવા કેસમાં હું સાૈપ્રથમ બંને પક્ષે સમજાવટથી સમાધાનનો પ્રયાસ કરું છું. સમાધાન ના થાય તો પોલીસ સ્ટેશન કે કોર્ટની કાર્યવાહીની પ્રક્રિયામાં મદદરૂપ થઇને મહિલાને ન્યાય ના મળે ત્યાં સુધી લડત આપું છું.’

અન્ય સમાચારો પણ છે...