પવનની ઝડપ 12.3 કિમી: હોર્ડિંગ્સ ઉડ્યાં
આણંદશહેર સહિત જિલ્લામાં સોમવારે 12.3 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ ઉડ્યાં હતાં. સવારના આકાશમાં વાદળો ઘેરાતાં વરસાદ પડે તેવો માહોલ છવાયો હતો. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. તેમજ પવન ફૂંકાવા સાથે ધૂળ ઉડતાં માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. આગામી દિવસોમાં પણ પવનની ઝડપ વધુ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ વાદળછાયા વાતાવરણમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘પ્રેશર ગ્રેડિયન્ટ વધી જતાં તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. પાકિસ્તાન ઉપર લો પ્રેશર બનેલું છે, જે ઘણું ઉંચાઇએ છે. પ્રેશર ગ્રેડિયન્ટના કારણે આગામી દિવસોમાં પણ પવનની ઝડપ વધુ રહેવાની શક્યતા છે.’ આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, સોમવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી, ભેજનું પ્રમાણ 78 ટકા, પવનની ઝડપ 12.3 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ પશ્ચિમ નોંધાઇ હતી. છેલ્લા ત્રણેક દિવસથી તેજ ગતિએ ફૂંકાઇ રહેલાં પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો છે. તાપમાનનો પારો ઉંચો રહેવા સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતાં વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ યથાવત રહ્યું છે. એમાંય તેજ ગતિએ ફૂંકાતા પવનની લહેરોથી થોડી રાહત અનુભવાય છે, પરંતુ પવનની સાથે ધૂળ ઉડતાં લોકો પરેશાન થઇ ગયા છે.
વરસાદ ખેંચાતા ગરમી અને વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અનુભવાઇ રહ્યો હતો. ત્રણ દિવસથી વાદળો આવવા સાથે પવનની ઝડપ વધતાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોમવારે સવારના આકાશમાં વાદળો છવાઇ જવા સાથે વરસાદ પડે તેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં વાદળો આવ્યા ખરાં પણ વરસ્યાં હતા. દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું અને તેજ ગતિએ પવન ફુંકાતો હોય ધૂળ ઉડતાં લોકો પરેશાન થઇ ગયા હતા. ધૂળ ઉડતી હોવાથી માર્ગ પરથી પસાર થતાં દ્રિચક્રી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.
પવનની ઝડપ વધુ રહેશે
ભારતમોસમવિજ્ઞાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં પવનની ઝડપ વધુ રહેવાની અાગાહી કરવામાં અાવી છે. વાદળોની અવરજવરથી વાતાવરણ અંશત: વાદળછાયું રહેશે. 7થી 11મી જુલાઇ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાનો વર્તારો કરવામાં આવ્યો છે.
પવનની ઝડપ ઘટ્યાં બાદ વરસાદ થશે
આણંદકૃષિયુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘પવનની ઝડપ વધુ હોવાથી વોટર વેપર પવનની સાથે આગળ નીકળી જાય છે. વોટર વેપર આકાશમાં ઉપર જઇને વાદળ બને છે અને ત્યારબાદ વરસાદ થતો હોય છે. હાલમાં વોટર વેપર પવનની સાથે આગળ જતાં રહેતાં વાદળ બનવામાં અવરોધ ઊભો થઇ રહ્યો છે. જેથી પવનની ઝડપ ઘટે ત્યારબાદ વરસાદ થવાની શક્યતા છે.’
12મી જુલાઇ બાદ સારાં વરસાદના સંકેત
આણંદકૃષિયુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો.વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘પશ્ચિમ બંગાળ પર કલકત્તા પાસે લો પ્રેશર ડેવલપ થઇ રહ્યું છે. આગામી દિવસોમાં સાયક્લોન બની શકે છે. જે ગુજરાત તરફ આગળ વધતાં 12મી જુલાઇની આસપાસ ખેતીલાયક સારો વરસાદ થવાની શક્યતા છે. આગામી ચારેક દિવસ પવનની ઝડપ વધુ રહેવા સાથે છુટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે.’
વૃક્ષો ધરાશાયી થયા
છેલ્લાબેદિવસથી તેજ ગતિએ ફૂંકાઇ રહેલાં પવનના કારણે વૃક્ષો ધરાશાયી થવા સાથે હોર્ડિંગ્સ જોખમી સ્થિતિમાં મુકાયા હતા. આણંદમાં વ્યાયામશાળા રોડ પર આવેલું વૃક્ષ પવનના કારણે ધરાશાયી થયું હતું. ઉપરાંત અમૂલ ડેરી રોડ પર તાલુકા પંચાયત પાસે અને જિલ્લા પંચાયત પાસેના હોર્ડિંગ્સ પણ જોખમી સ્થિતિમાં મુકાયાં હતાં.