સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતમાં મેઘમહેર જારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરોઇમાં 267 મિલીયન ઘનફૂટ પાણીની આવક

પોરબંદર જિલ્લામાં અડધોથી 3 ઈંચ જ્યારે ઉત્તર ગુજરાતમાં એકથી દોઢ ઈંચ સુધીનો વરસાદ

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં અઢી કલાકમાં 3 ઈંચ, મેંદરડામાં 2 ઈંચ, માળિયા-વિસાવદરમાં દોઢ ઈંચ, વંથલી, કેશોદ અને વેળાવળ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. માંગરોળ, કોડીનારમાં અડધો ઈંચ, જ્યારે જૂનાગઢ, ભેંસાણ, સુત્રાપાડામાં ઝાપટાં સ્વરૂપી વરસાદ પડ્યો હતો. પોરબંદરના બરડાપંથકમાં 2 ઈંચ,પોરબંદરમાં 9 મી.મી. અને રાણાવાવમાં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો. પોરબંદર જિલ્લાના ગ્રામ્યપંથકમાં પ્રથમ વરસાદ થતા 60 ટકા ફીડરોમાં વિજળી ગૂલ થઈ જતાં ઉકળાટને કારણે લોકો હેરાન થયા હતા. જામનગરના કલ્યાણપુર પંથકમાં 1.5 ઈંચ, કાલાવાડમાં 1 અને જામજોધપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મોરબીના માળિયા,ટંકારા અને વાંકાનેર પંથકમાં હળવા ભારે ઝાપટાં પડ્યા હતા. ટંકારામાં 17 મીમી, વાંકાનેરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, હળવદ અને વઢવાણમાં 1થી 1.5 ઈંચ જેટલો વરસાદ પડી જતાં ધરતીપૂત્રો ખુશખુશાલ થઈ ગયા હતા.

મધ્યગુજરાતમાં આણંદ, દાહોદ પંથકમાં 1થી 1.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. શહેરમાં અડધો કલાક પડેલા વરસાદને કારણે 3 કલાક સુધી વિજળી ગુલ રહી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી લાઈટ હોવાથી ફરિયાદીઓને ઓટલા પર બેસીને રાહ જોવી પડી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા ધોળી,પીંગુટ અને બલદવા ડેમમાં નવા નીર આવતા ખેડૂતો અને માછીમારોને રાહત સાંપડી છે. નેત્રંગ પંથકમાં 256 એમએમથી વધારે વરસાદ વરસતા બલદવા ડેમ છલકાયો હતો. ઉત્તર ગુજરાતમાં સમી અને શંખેશ્વરમાં 1-1 ઈંચ, જ્યારે રાધનપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. અન્ય શહેરોમાં ઝાપટારૂપી વરસાદ પડ્યો હતો.

પોરબંદરના બરડાપંથકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળઆ છલકાયાં હતાં.

છેલ્લા 24 કલાકથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ધરોઇ ડેમમાં નવા વરસાદી નીરની આવક શરૂ થઇ છે. જે અંતર્ગત તા.27 ના રોજ ધરોઇ ડેમમાં 219 મિલીયન ઘનફૂટ પાણીની આવક થતાં પાણીનો જથ્થો 7221 મિલીયન ઘનફૂટે પહોંચ્યો હતો. જ્યારે બીજા દિવસે 48 મિલીયન ઘનફૂટ પાણી ધરોઇ ડેમમાં ઠલવાયું હતું. બીજી બાજુ ડેમમાંથી પ્રતિદિન રોજીંદા વપરાશ માટે 20 કરોડ લીટર પાણી પુરૂ પાડવામાં આવે છે.

વીજળી પડતાં 11 પશુનાં મોત

દ્રારકાપંથકમાં બુધવારે સવારથી ગાજવીજ સાથે ધીમીધારે વરસાદના ઝાપટા પડયા હતાં.આ દરમિયાન વીજળી પડતા ગોંઇજ ગામે બે ભેંસ અને ટૂંપણી ગામે ત્રણ ભેંસના મોત નિપજયાં હતાં.ગોધરા તાલુકામાં વરસાદની સાથે વીજળી પણ ત્રાટકી હતી. જેમાં ધુસર, રતનપુર કાંટડી અને ગોલી ગામે કુલ મળીને 6 પશુનાં મોત નિપજયા હતા.

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડતાં નદીનાળા છલકાયાં

અન્ય સમાચારો પણ છે...