તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરમાં 1 કિલો દોરાના ગુચ્છા સામે રૂ.100 આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘‘જીવ માત્ર પ્રતિ કરુણાવંત બનો’’ ભગવાન મહાવીર સ્વામીના સંદેશને આત્મસાત્ કરીને જૈન એલર્ટ ગ્રૂપ ઓફ વડોદરાના 250 યુવકો દ્વારા ઉત્તરાયણના પર્વ દરમિયાન પશુ-પક્ષી તેમજ વ્યક્તિઓના જીવ બચાવવા માટે તારીખ 13 થી 20 જાન્યુઆરી સુધી શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી દોરાના ગુચ્છા ભેગા કરશેે. જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા 1 કિલો દોરાના ગુચ્છા સામે રૂ.100 પણ આપવામાં આવશે.

જૈન એલર્ટ ગ્રૂપ ઓફ વડોદરાના સભ્ય પાર્થ સંઘવીએ જણાવ્યું કે, રાજસ્થાનના નાગેશ્વર તીર્થ ખાતે આચાર્ય હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની શિબિર યોજાઈ હતી. જેમાં એક વિચાર નિકળ્યો હતો જેમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં અને પછી રસ્તા, મેદાનો, અગાસીઓ, ગલીઓ આમ દરેક જગ્યા પર પડેલા દોરાના જથ્થાઓને એકત્રિત કરવામાં આવે તો પશુ-પક્ષીના જીવ બચાવી શકાય તેમ છે.

પાર્થ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, શિબિરમાંથી નિકળેલા વિચારથી વડોદરામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન દોરીના ગુચ્છા ભેગા કરાશે. આ માટે જૈન એલર્ટ ગ્રૂપ ઓફ વડોદરાના 250 મેમ્બરોના નંબરો સોશિયલ મીડિયા તેમજ માઉથ પબ્લિસિટી મારફતે લોકોને આપવામાં આવ્યા છે. જ્યારે પતંગો લૂંટતા છોકરાઓને પણ રૂબરૂ મળીને તેમને દોરાના ગુચ્છા ભેગા કરવા માટે જણાવવામાં આવ્યું છે. 1 કિલોના દોરાના ગુચ્છાની સામે ગ્રૂપ દ્વારા રૂ.100 આપવામાં આવશે. જો કોઈ ફોન કરશે તો મેમ્બર દોરાના ગુચ્છા લેવા સામેથી આવશે.

વડોદરામાં પ્રથમ વખત અભિયાન શરૂ કરાયું
જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા વડોદરામાં પ્રથમ વખત આ અભિયાન શરૂ કરાયું છે. વડોદરા ઉપરાંત આણંદ,ભરૂચના આમોદ અને મુંબઈમાં જૈન ગ્રૂપ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યાં છે.જોકે મુંબઈ અને આમોદમાં 1 કિલો દોરાના ગુચ્છાના રૂ.50 આપવામાં આવે છે,જેની સામે વડોદરા અને આણંદમાં 1 કિલો દોરાના ગુચ્છાના રૂ.100 ભાવ આપવાનું નક્કી કરાયું છે. જ્યારે જૈન એલર્ટ ગ્રૂપ દ્વારા વડોદરાનાં મેયર ડો.જિગીષાબેન શેઠને પણ આ અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...