પીવાના પાણીની સમસ્યાવાળાં ગામોનો એક્શન પ્લાન બનાવવા આદેશ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાની પીવાના પાણીની સમસ્યાઓ અને તેના નિકાલ તથા જળ અભિયાનની કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા પ્રભારી સચિવ સી.વી.સોમના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.જેમાં પીવાના પાણીની સમસ્યાવાળા ગામોનો એકશન પ્લાન બનાવવા આદેશ અપાયો હતો. ઉપરાંત અધિકારીઓને ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ માહિતી મેળવવા અનુરોધ કરાયો હતો.

આ બેઠકમાં સી.વી.સોમે હાલમાં અને આગામી સમયમાં જયાં પીવાના પાણીની સમસ્યાની સંભાવના હોય તેવા ગામોનો એકશન પ્લાન ઘડી કાઢવા સંબંધિત અધિકારીઓને સૂચન કરી જિલ્લામાં જયારે પ્રશ્નો ઓછા છે. ત્યારે અધિકારીઓએ પીવાના પાણીના કામો ઝડપથી પૂર્ણ કરી જરૂરિયાતમંદોને પીવાનું પાણી મળી રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂકયો હતો. આ સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે ગામોમાં પીવાના પાણીના ગંભીર પ્રશ્નો હોય તો અધિકારીઓને સ્થળ ઉપર જાત તપાસ કરી માહિતી મેળવી ગ્રામજનો સાથે સંવાદ કરી તેનું નિરાકરણ લાવવા સુચવ્યું હતું. જેથી પ્રશ્નનો સ્થળ ઉપર જ નિકાલ લાવી શકાય. સોમે અધિકારીઓને કોઇને કોઇ ફરિયાદ કરવાની તક મળે નહીં તેવું કાર્ય કરવાનો અનુરોધ કરી પાણી પુરવઠાના તમામ કામોનું સતત મોનીટરીંગ કરતાં રહેવું સુચવ્યું હતું.

સોમે જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત કાંસ, કેનાલ, તળાવો, વોટર શેડના જે કામો હજુ સુધી ચાલુ કરવામાં નથી આવ્યા તેવાતમામ કામો આગામી સમયમાં ચાલુ થયા વિના બાકી ન રહેવા જોઇએ. તેમ જણાવી આગામી બેઠકમાં સંબંધિત અધિકારીઓને પૂર્ણ થયેલા કામો, પ્રગતિ હેઠળના કામો, શરૂ કરવાના બાકી કામો, બાકી કામો કયારે શરૂ કરવામાં આવશે. અને કયારે પૂર્ણ થશે તેની સંપૂર્ણ માહિતી સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર દિલીપ રાણાએ જિલ્લામાં પીવાના પાણીની વિવિધ પાણી પુરવઠા યોજનાઓની વ્યવસ્થાની વિગતો આપી હતી. જયારે સંબંધિત તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે જોવાનો અનુરોધ કરી બાકી રહેલા અને હજુ સુધી જે કામો શરૂ કરવામાં નથી આવ્યા તેવા કામો ઝડપથી શરૂ થાય તે જોવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ, કાર્યપાલક ઇજનેર પ્રકાશ મોદી સહિત પાણી પુરવઠા, સિંચાઇ, એમ.જી.વી.સી.એલ., વાસ્મોના અધિકારીઓએ જરૂરી વિગતો પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...