તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં 7649, ખેડામાં 10 હજાર ઉમેદવાર ગેરહાજર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાના 82 કેન્દ્રો ઉપર નીયત સમયે એટલે સવારે 10 વાગ્યા પહેલાં મોટાભાગના પરીક્ષાર્થીઓ કેન્દ્રમાં આવી ગયા હતા. પરીક્ષા સંપન્ન થયા બાદ પણ વિદ્યાર્થીઓને બસ અને ટ્રેનની તકલીફ ન રહે તેવી સુવિધાઓ આ વખતે કરવામાં આવી હતી. બપોરના 2 વાગ્યા બાદ આણંદ બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામી હતી. જેના કારણે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક જામના દ્વશ્યો સર્જાય હતાં. ગયા મહિને યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક થવા અને ભારે હોબાળા બાદ પુન: પરીક્ષા લેવાના નિર્ણયના સમગ્ર ઘટનાક્રમના પગલે પરીક્ષાર્થીઓમાં છેક છેલ્લી ઘડી સુધી ઉચાટ પ્રવતર્તો હતો. આ સ્થિતિ વચ્ચે લેવાયેલી પરીક્ષાનું પેપર ઉમેદવારો માટે કહી ખુશી કહી ગમ જેવું સાબિત થયું હતું. જે પરીક્ષાર્થીઓએ મહેનત કરી હતી, તેમને એકંદરે પેપર સહેલું લાગ્યું હતું. 15 પાનાના પેપરમાં 100 પ્રશ્નો હતા. જે તમામ એમસીક્યૂ હતા. ચાર વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પર ટીક કરવાની હતી. જોકે, માઇનસ સિસ્ટમ હોવાથી ખોટા જવાબ આપવાનો કોઇ અવકાશ રહ્યો નહોતો. પરીક્ષા બાદ ઉમેદવારો એવી પ્રતિક્રિયા આપી હતી કે પરીક્ષા તો પૂર્ણ થઇ છે. પણ એને કોઇ વિઘ્ન ન નડે અને હવે શક્ય અેટલું ઝડપી પરિણામ જાહેર કરી અમને નોકરી મળે તેવું ઇચ્છીએ છીએ.

કહીં ખુશી કહીં ગમ : 1 કલાકની પરીક્ષામાં 15 પેજના પ્રશ્નપત્રમાં 100 પ્રશ્નો પૂછાયા: ગણિતના 50 પ્રશ્નોએ મૂંઝવ્યા
ખેડા-આણંદ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર શાંતિપૂર્ણ મહોલમાં પરીક્ષા સંપન્ન થઇ હતી.

ગણતરી કરવા 2 કલાક પણ ઓછા પડે
એકંદરે પેપર સરળ હતું પરંતુ સમય ઓછો પડ્યો હોવાની ફરિયાદ ઉમેદવારોમાં ઉઠી હતી. રિઝનિંગના પ્રશ્નો વધારે હતા. ગણિતના 50 ટકા સવાલોમાં ગણતરી કરવાની હોવાથી બે કલાકનો સમય પણ ઓછો પડ્યો હતો.એબીસીડીના આડા અવળા જ પ્રશ્નો પૂછ્યા હતા. વિક્રમ દેસાઇ, વિદ્યાર્થી, ગાંધીનગર

બસ મથકે ફાયર ફાઇટર 108 તૈનાત રખાઇ
ગયા મહિને લેવાયેલ LRDની પરીક્ષામાં પેપર લીક થવાના કારણે ઉમેદવારોમાં અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ક્યાંક તોફાનો પણ થયા હતા. આ વખતે તકેદારીના પગલારૂપે નડિયાદ બસ મથકે ફાયર ફાઇટર તથા 108 વાન સતત તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાંત અધિકારી લલિતભાઇ પટેલ, એસસીએસટી સેલના ડીવાયએસપી એમ. એન. વાઘેલા સહિત અધિકારીઓએ બનિરીક્ષણ કર્યુ હતું.

વિવિધ બાબતોને આવરી લેતું પ્રશ્નપત્ર
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે એમસીક્યૂ પ્રકારના પ્રશ્નો કેન્દ્ર સ્થાને હોવાનું રવિવારે યોજાયેલ LRDની પરીક્ષામાંથી જોવા મળ્યું હતું. જેમાં ભારતનો ફોજદારી ધારાને લગતા, બંધારણને લગતા, ગાણિતિક તેમજ અન્ય પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આંકલાવ- આસોદરમાં શાંતિપૂર્ણ પરીક્ષા પૂર્ણ
આંકલાવ હાઇસ્કુલ અને આસોદર હાઇસ્કુલ બંને સેન્ટરમાં 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જેના માટે સવારે 8 વાગ્યાથી બાયોમેટ્રીક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.પરીક્ષાર્થીઓને ગણીતના પ્રશ્નોએ મૂઝવ્યા હતાં.

કપડવંજ પરીક્ષા આપવા આવતા યુવકનું મોત
બાયડ : સાબરકાંઠના માલપુરના ફાંસારેલનો વિપુલભાઇ ડાહ્યાભાઇ ખાંટ લોકરક્ષકદળની પરીક્ષા આપવા માટે વહેલી સવારે બાઇક લઇને કપડવંજ જઇ રહ્યો હતો. દરમિયાન યુવાન ઉભરાણ બાયડ વચ્ચેના સરસોલી ગામ પાસેથી પસાર થતો હતો. ત્યારે સવારે 6.45 કલાકે યુવાને બાઇક ઉપરનો કાબુ ગુમાવતાં બાઇક ઝાડ સાથે ટકરાયુ હતુ. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ફસડાઇ પડ્યો હતો. વહેલી સવારે ગામની સીમમાં લોકરક્ષકદળની પરીક્ષા આપવા જઇ રહેલા આશાસ્પદ યુવાન વિપુલભાઇ ડાહ્યાભાઇ ખાંટ (20)નું કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...