તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘જો કોઇ લઇ જાય તો અમારે પણ મતદાન કરવું છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકશાહીના પર્વની ઉજવણીને લઇને હાલમાં રાજકીય પક્ષોની સાથે સાથે મતદારોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે. 23મી એપ્રિલે મતદાન માટે જ્યારે જિલ્લાના મહત્તમ લોકો પહોંચશે, ત્યારે પીજ વૃધ્ધાશ્રમમાં રહેતા 40 વડીલો પણ મતદાન કરીને પોતાની ફરજ અદા કરવા તૈયાર છે, પરંતુ મુશ્કેલી છે, મતદાન મથક સુધી જવામાં. જો કોઇ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો આ મહામુલા વયસ્ક મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા થનગની રહ્યા છે.

પીજ ગામે આવેલા વૃધ્ધાશ્રમમાં 40 વૃધ્ધો રહે છે. જેમાંથી એક દેવિલાબેન આર.ભટ્ટ ચેન્નાઇના રહીશ છે. તેઓએ પણ મતદાનની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ચેન્નઇ સુધી જવું શક્ય ન હોવાથી તેઓ મતદાન કરી શકશે નહીં. વસોના 80 વર્ષિય શકુંતલાબેન કાંતિભાઇ દવે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની ઇચ્છા ધરાવે છે. કપડવંજના 62 વર્ષના મીનાબેન મહેશભાઇ ત્રિવેદી પણ મત આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. વડોદરાના 79 વર્ષિય શારદાબેન નરસિંહભાઇ પટેલ તથા પીજના 65 વર્ષના ભગવતીબેન પટેલ અને આણંદના 78 વર્ષના દેવિવાયનીબેન દલવાડી પણ મતદાન કરવા જવાની ઇચ્છા ધરાવે છે. જોકે વૃધ્ધાશ્રમના આ 40 મતદારો માટે મતદાન મથક સુધી કેવી રીતે પહોંચવું તે સૌથી મોટો પ્રશ્ન છે. શારિરીક રીતે અશક્ત થયેલા વડીલોને મતદાન કરવાની અદમ્ય ઇચ્છા છે.

જુસ્સો : ઘરડાઘરના મોટાભાગના વયસ્કોની મતદાન કરવાની તીવ્ર ઇચ્છા પરંતુ ઉંમર અને અસ્વસ્થ કાયા સામે હાર્યા
પીજના વૃ્દ્ધાશ્રમમાં રહેતાં 40 વયસ્ક મતદારોને વૃધ્ધાશ્રમથી લઇ જવાની અને પરત લાવવાની જવાબદારી લેવામાં આવે તો તેઓ પણ મતદાન કરવા તૈયાર છે. તસ્વીર : દીપક જોશી

101 વર્ષીય ચંચળબા મતદાન કરવા તૈયાર
નડિયાદના 101 વર્ષિય ચંચળબેન હાલ ઉંમરને કારણે શારિરીક રીતે અસ્વસ્થ હોવા છતાં મતદાન કરવાની ઇચ્છા ધરાવે છે. જો વ્યવસ્થા મળે તો લોકસભાની ચૂંટણીમાં પોતાનો મહામુલો મત આપવાની તૈયારી ધરાવે છે.

ક્યાંના કેટલા મતદારો
બરોડા-7, નડિયાદના 8, પાદરાના 5, નારના 2, વસો, ઠાસરા, હલધરવાસ, કરમસદ, સાવલી, સોજિત્રા, કઠલાલ, ઉત્તરસંડા, આમોદ, મહેમદાવાદના 10 અને પીજના 8 મતદારો છે.

મતદાન મથકે વ્હીલચેરની વ્યવસ્થા સુનિશ્વિત કરવી
નડિયાદના ઇન્દુમતિબેન પરીખ શતાયુ મતદાર તરીકે મહામુલો મત આપશે. દર વખતે પરિવારજનો તેમને મતદાન કરવા લઇ જાય છે, જોકે હવે પગની તકલીફને કારણે તેમને દાદરા ચઢવામાં મુશ્કેલી પડે છે. ત્યારે તંત્ર દ્વારા મતદાન મથકો ઉપર વ્હિલચેરની વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.

ભૂપેન્દ્રભાઇ દર વખતે મતદાન કરવા જાય છે
62 વર્ષના વયસ્ક ભૂપેન્દ્રભાઇ રમણલાલ શાહ દર વખતે મતદાન કરવા જાય છે. આ વર્ષે પણ તેઓ કઠલાલમાં મતદાન માટે જશે. લોકશાહીના પર્વમાં ભાગ તો લેવો જ જોઇએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...