પતંગ કાપતા કિશોરને ટૂંપો આપ્યો, ભાનમાં આવતાં જીવતો ઘરે આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત: ખંભાતના ચુનારવાડમાં ઉત્તરાયણ પર અવાર-નવાર પતંગ કાપી નાંખનારા સગીરનું દરિયો બતાવવાનું કહીને પડોશમાં રહેતા યુવકે મોપેડ પર અપહરણ કર્યું હતું. બાદમાં તેણે દરિયાકાંઠે રસીથી ગળેટૂંપો દઈ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ખંભાત શહેરના ચુનારવાડ વિસ્તારના રબારીવાસ નજીક સર્વોદય જીમ પાસે રહેતા શૈલેષભાઇ બુધીલાલ ચુનારાનો દીકરો પિયુષ સવારે દસ કલાકે રબારીવાસ વિસ્તાર પાસે ઉભો હતો

 

 

ત્યારે પડોશમાં રહેતો 21 વર્ષીય લાલા ઉર્ફે મચ્છો રાજુ ચુનારાએ તેને દરિયો બતાવવા લઈ જવાનું કહ્યું હતું. જેને પગલે પિયુષ તેની સાથે જવા તૈયાર થયો હતો. દરમિયાન, તે તેના મોપેડ પર સગીરને બેસાડી શહેરથી દુર દરિયાકાંઠે અંબામાતાજીના મંદિર પાસે લઈ ગયો હતો. જ્યાં કિશોર કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેને જમીન પર પાડી દઈ ગળાના ભાગે રસ્સીથી ટૂંપો આપ્યો હતો. ઝપાઝપી દરમિયાન, પિયુષ અચાનક બેભાન થઈ ગયો હતો. જેને પગલે યુવકને લાગ્યું કે પિયુષનું મોત થયું છે.

 

પિયુષને ત્યાં જ છોડી દઈ તે ત્યાંથી પોતાનું મોપેડ લઈ ભાગી આવ્યો હતો.  બીજી તરફ, બપોરે બે કલાકે કિશોર ભાનમાં આવતા જ તે પગપાળા પાસે આવેલા એક મકાનમાં પહોંચ્યો હતો. આ અંગે શૈલેષભાઈની ફરિયાદના આધારે આરોપી લાલા ઉર્ફે મચ્છાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં શખ્સે કિશોર અવાર-નવાર ઉત્તરાયણના દિવસે તેની પતંગ કાપી નાંખતો હોય તેણે સમગ્ર કૃત્યને અંજામ આપ્યો હોવાનું જણાવતા હાજર પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...