કોંગ્રેસને જીતાડનાર ભાજપના કાર્યકરને ચેરમેનપદનો શિરપાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તારાપુર/ખંભાત:  તારાપુર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેનપદે ઘનશ્યામ ભાઈ રબારી અને વાઇસ ચેરમેન પદે કુંવરસિંહ સોલંકી બિન હરીફ વરણી કરાઇ હતી. આ ચૂંટણીમાં સોજિત્રાના ધારાસભ્યની કોંગ્રેસ પ્રેરિત જૂથનો હાથ ઉપર રહ્યો હતો. જેમાં ભાજપની જૂથબંધીનો લાભ લઇને ભાજપના સક્રિય કાર્યકર ચેરમેનપદે વરણી કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડનાર ભાજપના સક્રિય કાર્યકરને ચેરમેનપદનો શિરપાવ આપવામાં આવ્યો છે. 

 


 તારાપુર એપીએમસીના ચેરમેન અને વા.ચેરમેન બંને ઇસરવાડા ગામના વતની છે. આ ગામમાંથી તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પુનમભાઈ માધાભાઈ પરમારને 500થી વધુ મતની લીડ મળી હતી. આ વર્ષો પહેલા ભાજપનું ગઢ ગણાતું ગામ ચૂંટણીમાં કોંગ્રેસની તરફેણમાં ગયું હતું. વા.ચેરમેન ઇસરવાડાનો ભૂતપૂર્વ સરપંચ છે. ઉપરોકત બંને જણાએ ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફી કરેલી મદદને બદલે શિરપાવ મળ્યો હોવાનું ચર્ચા ચોમેર ચાલી રહી છે.

 

ચેરમેન બનેલા ઘનશ્યામભાઈ રબારી ભાજપના સક્રિય કાર્યકર હતા. તે ભાજપના પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહીતના જૂથના હતા. તે હવે કોંગ્રેસ પ્રેરિત પેનલની નજીક આવી ગયા છે.જ્યારે સોજિત્રા-તારાપુર ભાજપના અંબાલાલ રોહિત અને વિપુલ પટેલના બને જૂથો વચ્ચે ચાલતા ગજગ્રાહનો લાભ કોંગ્રેસે લીધો છે. આ ઘટના બાદ તારાપુર એપીએમસીનું કોંગ્રેસી ધારાસભ્ય પુનમભાઈ પરમારના હાથમાં રિમોટ કંટ્રોલ રહેશે. 


 એપીએમસીની ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી નાયબ નિયામક, ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર તથા જિલ્લા રજિસ્ટાર, સહકારી મંડળીઓ આણંદના અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે દરખાસ્ત માંગતા પરમાર મુળુભા કાળુભાએ ઘનશ્યામભાઈ બાબુભાઇ રબારીના નામની દરખાસ્ત કરી હતી અને ચંદુભાઈ માધાભાઈ પરમારે ટેકો આપતા અને અને બીજી કોઈ દરખાસ્ત ન આવતા ઘનશ્યામભાઈ બાબુભાઈ રબારીને ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા.

 

જ્યારે વાઇસ ચેરમેન તરીકે દરખાસ્ત માંગતા રાજેશકુમાર ઘનશ્યામભાઈ ઠક્કરએ કુંવરસંગ ભુરુભા સોલંકીના નામની દરખાસ્ત કરી હતી.અને પુનાભાઈ હીરાભાઈ જાદવે ટેકો આપતા તેમજ બીજી કોઈ દરખાસ્ત ન આવતા કુંવરસંગ ભુરુભા સોલંકીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. 

 

 

 

અન્ય સમાચારો પણ છે...