નોકરીના નામે 48 બેરોજગાર પાસેથી 60 લાખ પડાવ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નોકરીના નામે 48 બેરોજગાર પાસેથી 60 લાખ પડાવ્યાં
- આણંદની ઠગ બેલડીએ સરકારી નોકરી અપાવવાના નામે બેરોજગારોને શિકાર બનાવ્યાં : સારાં હોદ્દાની ઓફર કરતાં અનેક લલચાયાં
- રેલવેના વડોદરા, અમદાવાદ ખાતે ટીસી, બુકિંગ ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક અને આણંદ ખાતે રેવન્યુ વિભાગમાં નાયબ મામલતદાર, ક્લાર્ક તરીકે નોકરી અપાવવાના બહાને ઠગ બેલડીએ બોરસદ, આંકલાવના ગામો સહિત જિલ્લામાં ખેલ પાડ્યો
આણંદ: આણંદના સામરખા અને ભાલેજ ગામના બે મહાઠગ વ્યક્તિએ બોરસદ અને આંકલાવ તાલુકાના અનેક લોકોને સરકારના જુદાં જુદાં વિભાગમાં નોકરી અપાવવાના બહાને રૂ.60 લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી હતી. આ મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે ગુનો નોંધી આ ઠગ બેલડીની અટકાયત કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. રિમાન્ડ દરમિયાન છેતરપિંડીનો આ આંકડો વધે તેવી શક્યતાં છે.
આણંદ જિલ્લાના બેરોજગાર યુવાનોને રેલવેના વડોદરા, અમદાવાદ ખાતે વિવિધ વિભાગોમાં ટીસી, બુકિંગ ક્લાર્ક, જૂનિયર ક્લાર્ક તેમજ આણંદ ખાતે રેવન્યુ વિભાગમાં નાયબ મામલતદાર, ક્લાર્ક તરીકે નોકરી અપાવવાના બહાને ઠગ બેલડીએ બોરસદ અને આંકલાવ તાલુકાના ગામો સહિત જિલ્લાના 48 જેટલી વ્યક્તિ પાસેથી રૂ.60 લાખ ખંખેરી લીધાં હતાં. આ અંગે કોઠીયાખાડના જયંતિભાઈ ડાહ્યાભાઈ પઢીયારે ભાદરણ પોલીસ મથકે ફારૂક ગુલામનબી મલેક (રહે.ભાલેજ) તથા રમેશ વિઠ્ઠલભાઈ પરમાર (રહે.ભાટીયાપુરા) સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ગોહિલે જણાવ્યું હતું કે ‘ફારૂક ગુલામનબી મલેક (ઉ.વ. 47, રહે. ભાલેજ) અને રમેશ વિઠ્ઠલભાઈ પરમાર (રહે.સામરખા)એ રેલવેના ટીસી, બુકિંગ ક્લાર્ક, જૂનિયર ક્લાર્કની જગ્યાઓ માટે લોકો પાસેથી રકમ પડાવી નોકરી ઉપર હાજર થવાના, તાલીમમાં જવાના તથા મેડિકલ તપાસણીના જુદાં જુદાં બોગસ ઓર્ડરો બનાવ્યાં હતાં. આ ઉપરાંત રેવન્યુ વિભાગમાં નાયબ મામલતદાર તથા ક્લાર્ક તરીકે નોકરી પર હાજર થવાના ઓર્ડર આપી તેઓ તમામ પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.60 લાખ જેટલી માતબર રકમની છેતરપિંડી કરી હતી.
આ બાબતની ફરિયાદ મળતાં જુદી જુદી 30 વ્યક્તિનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. જોકે, ફરિયાદની જાણ થતાં તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયાં હતાં. આખરે બાતમી આધારે 27મીના રોજ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે 4 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. આ રિમાન્ડ દરમિયાન સમગ્ર કૌભાંડમાં અન્ય કોઇ વ્યક્તિ સંડોવાઇ છે કે કેમ ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ફારૂક રેલવેમાં નોકરી કરતો હતો

બેરોજગારોને સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઇ કરતો ફારૂક મલેક 1991ની સાલમાં રેલવેમાં જામનગર ખાતે ડિઝલ અસિસ્ટન્ટ તરીકેનો નોકરીની શરૂઆત કરી હતી. જોકે, 2007ના વર્ષમાં સતત ગેરહાજરીના કારણે તેને રેલવેમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. બાદમાં તેણે તમાકુની દલાલીની શરૂઆત કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં વાંચો,રમેશ વકીલ હોવાનું જણાવી રોલો પાડતો,રેલવેના ચેરમેન અને ડીડીઓના નામના સિક્કા બનાવ્યાં,ફારૂક સામે અગાઉ બે ગુના નોંધાયા....
અન્ય સમાચારો પણ છે...