આણંદ: ખેડા હાઇવે પર ગોજારો અકસ્માત, રાજસ્થાનના શ્રમજીવી પરિવારના 6ના મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: રાજસ્થાન વાંસવાડાથી કડિયાકામની મજૂરી અર્થે ભાવનગર જતા શ્રમજીવીઓની એક બોલેરો ગાડી મહેમદાવાદ-ખેડા હાઈવે રોડ પરથી પસાર થતી હતી. ત્યારે સામેથી આવતી ટ્રક ધડાકાભેર અથડાતાં ચાર શ્રમજીવીઓના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા સાત શ્રમજીવીઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમજીવીઓના મૃત્યુ નીપજ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં 9 શ્રમજીવીઓને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- મહેમદાવાદ- ખેડા રોડ પર બોલેરો અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ શ્રમજીવીઓનાં મોત
- રાજસ્થાન વાંસવાડાથી ભાવનગર કડિયાકામ માટે જતા નડેલો અકસ્માત

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન વાંસવાડા જિલ્લાના સાગ ડુંગળી ગામના પ્રકાશભાઈ હીરાભાઈ ડામોર કડિયાકામની મજૂરી માટે ગુરૂવારે રાત્રે 9 કલાકે શ્રમજીવીઓને લઈ એક બોલેરો ગાડી નં. આર.જે.03.યુએ-1016માં ભાવનગર જવા માટે નીકળ્યા હતા. આ શ્રમજીવીઓની બોલેરો ગાડી શુક્રવારે સવારે 6 વાગે મહેમદાવાદ-ખેડા રોડ પર આવેલ જીઈબી સામેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રક નં. જી.જે.3.એટી-4554ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી શ્રમજીવીઓની બોલેરો ગાડી સાથે ધડાકાભેર અથડાવી હતી.

જેથી બોલેરો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાડી રોડની સાઈડે ગટરમાં ઉતરી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે ગાડીમાં બેઠેલા શ્રમજીવીઓની ચિચિયારીઓથી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં આજુબાજુના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રહીશોએ મહેમદાવાદ પોલીસ મથકે જાણ કરતાં પોસઈ જી.પી.પરમાર પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તથા રહીશોએ ગાડીમાં બેઠેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108માં સારવાર અર્થે મહેમદાવાદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મૃતકોની યાદી, અકસ્માતમાં પિતા-પુત્રીનું મૃત્યુ
(તસવીર: વિજય પંડ્યા, નડિયાદ)