• Gujarati News
  • આણંદમાં સાયકલ ખરીદતાં પહેલાં પણ ઓળખ આપવી પડશે

આણંદમાં સાયકલ ખરીદતાં પહેલાં પણ ઓળખ આપવી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદજિલ્લામાં સાયકલ સહિતના વાહનોની લે-વેચ કરતાં બ્રોકરે ખરીદનાર અને વેચનારના ઓળખપુરાવા મેળવી અદ્યતન રેકર્ડ બનાવવા કલેક્ટરે એક જાહેરનામામાં જણાવ્યું છે.

આણંદ જિલ્લામાં સાયકલ સહિત થ્રી વ્હીલર, ટુ વ્હીલર, વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, લે-વેચ કરનાર બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરવા લીધા વગર ખરીદ-વેચાણ-ભાડે આપવા તથા તે અંગે જરૂરી રજિસ્ટર નિભાવવા આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ શંકરે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ અંતર્ગત આદેશ ફરમાવ્યો છે.

આદેશ અનુસાર વેપારીઓ, બ્રોકરો કે કમિશન એજન્ટ ગ્રાહકનું વાહન લે-વેચ માટે પોતાના કબજામાં સંભાળે ત્યારે તુરત નમૂના મુજબના રજિસ્ટરમાં તેની નોંધ કરી અદ્યતન સ્થિતિમાં રાખવાનું રહેશે. રજીસ્ટરમાં ભાડે રાખનાર, લેનાર, વેચનાર ગ્રાહકનું નામ-સરનામુ, મોબાઇલ નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, એન્જિન-ચેસીસનો નંબર, વાહનનો કબજો સંભાળ્યાં તારીખ-સમય કે ગ્રાહકે વાહન ભાડે રાખ્યાની તારીખ-સમય, લે-વેચ અને સોદાના અંતે વેપારી-બ્રોકરે વાહનનો કબજો ગ્રાહકને સોંપ્યા તારીખ-સમય તથા ગ્રાહકે ભાડા પરથી વાહન પરત સોપ્યા તારીખ સમય, ભાડે રાખનાર, લેનાર - વેચનાર ગ્રાહકની સહી તથા વેપારી-બ્રોકર કમીશન એજન્ટની સહી ઉપરાંત વાહન લે-વેચ કરનાર વેપારી પેઢી-બ્રોકરનું નામ સરનામુ તથા ગ્રાહકોના વાહનો રાખવાની જગ્યાનું સરનામુ તથા વિસ્તાર (ચોમીટર) પણ દર્શાવવાના રહેશે. પોલીસ અધિકારી કે સક્ષમ અધિકારી ચેકિંગ દરમિયાન માગે ત્યારે રજૂ કરવાના રહેશે.

વાહન લે-વેચ, ભાડે આપવા માટેના વેપારી-બ્રોકરોએ કબજામાં રાખેલ વાહનો રાખવાની પર્યાપ્ત જગ્યા રજિસ્ટરમાં દર્શાવવાની રહેશે. જગ્યા માલિકીની કે ભાડા પટ્ટાની હોય તો તેના દસ્તાવેજો પણ રજિસ્ટર સાથે સામેલ રાખવાના રહેશે. કબજામાં રાખેલ વાહનો નિશ્ચિત જગ્યાએ પાર્ક કરવાના રહેશે. જેનો જાહેર - સરકારી કે માલિકીની જગ્યામાં વ્યાપારી હેતુ માટે દુરૂપયોગ કરવાનો રહેશે નહી. આદેશ પમી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.