• Gujarati News
  • ખેડા જિલ્લામાં આજે શનિશ્વર જયંતી ધામધૂમથી ઉજવાશે

ખેડા જિલ્લામાં આજે શનિશ્વર જયંતી ધામધૂમથી ઉજવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ અને આણંદ સહિત સમગ્ર ચરોતરમાં બુધવારે શનિદેવ મહારાજની જન્મ જયંતી ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિતે જિલ્લાના શનેશ્વર મંદિરમાં યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંદિરમાં વહેલી સવારથી દર્શન માટે દર્શનાર્થી ઉમટી પડશે.
વૈશાખ વદ અમાસ બુધવારે છે. અમાસના દિવસે શનિદેવનો જન્મદિન ઉજવવામાં આવે છે. આણંદ ગ્રીડ પાસે આવેલા શનિ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. નડિયાદ શહેરના રબારીવાડ વિસ્તારમાં શનિશ્વર મંદિરમાં શનિશ્વરજયંતી નિમિતે શનિદેવ મહારાજને વિશેષ પૂજા-અર્ચના તથા શણગાર કરવામાં આવશે. શનિદેવના જન્મદિને પૂજા અર્ચના કરવાનું ખાસ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં ભકતજનો વહેલી સવારથી શનિદેવ મંદિરમાં ઉમટી પડશે. શ્રદ્ધાળુઓ શનિદેવને સિંદુર, કાળાતલ, કાળા અડદ, શ્રીફળ અને તેલ ચઢાવીને પૂજા અર્ચના કરીને શનિદેવની કપા મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત નડિયાદ શહેરના પીજ રોડ પર આવેલ શનિદેવ મંદિરમાં શનિદેવ જંયતી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નડિયાદ તાલુકાના દાવડા પાસે આવેલાં શનિશ્વર મંદિરમાં વિશેષ મહાપૂજાનું આયોજન કરાયું છે.
કપડવંજ શનિદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ યોજાશે
શનિશ્વર જંયતીના દિવસે બુધવારે કપડવંજ નગરની ભૂમિ સોસાયટીમાં શનિદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમથી યોજાશે. આ નિમિતે મંદિરમાં શનિદેવ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે ૪:૧૫ કલાકે યજ્ઞની પૂણાર્હુતિ યોજાશે. યજ્ઞ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.