પેટલાદ: પેટલાદ રોગચાળાનાં ભરડામાં 80 દરદી સિવિલમાં દાખલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ: આણંદ શહેરને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયાનાં ગણતરીના દિવસોમાં અન્ય તાલુકા કક્ષાએ પણ રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને પેટલાદની હાલત દિવસે દિવસે બગડી રહી છે. સ્વચ્છતાનો અભાવ અને વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને કેટલાંક વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત આવતાં રોગચાળો ફેલાયો છે. ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયાં છે. પેટલાદ સિવિલમાં જ ૮૦ જેટલાં કેસની સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દરદીઓની ભીડ સમાતી નથી.
પેટલાદ શહેરના દેવકુવા ભાગોળ, હાઉસીંગ ર્બોડ, મલાવભાગોળ, ખોડીયાર ભાગોળ, પઠાણવાડા, શેખવાડ સહિ‌તના વિસ્તારોમાં ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી પીવાના પાણીની લાઇન સાથે ભળી જતાં ઝાડા - ઊલટીના રોગચાળાએ દેખાં દીધી છે. ગટરનું ગંદુ પાણી પાઇપલાઇન સાથે મિશ્ર થતું હોવાનું વિસ્તારના રહીશોએ ભારે રોષપૂર્વક જણાવ્યું છે. શહેરના અમુક વિસ્તારોમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ફેલાયો છે.
શહેરમાં અચાનક જ પાણીજન્ય રોગચાળાના કારણે ૮૦થી વધુ દરદી પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર દરદી તરીકે સારવાર લઇ રહ્યાં છે. તેવી જ રીતે શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં પણ દરદીઓની ભીડ જોવા મળી રહી છે. શહેરીજનોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે 'થોડા સમય પૂર્વે જ ગટર લાઇનો નાંખી છે, તેનું યોગ્ય પુરાણ પણ કર્યું નથી. પાણીની લાઇનો ગટર લાઇનો સાથે મિશ્રિત થતી હતી જે તે વખતે રજુઆતો કરી છતાં માત્રને માત્ર પાલિકા દ્વારા વેઠ જ ઉતારાતી હતી. આ પરિસ્થિતિ સર્જા‍તા પ્રજાજનો રોષે ભરાયાં છે.
બે - ત્રણ પાઇપ લાઇનની ફરિયાદ આવી છે:
'પેટલાદ શહેરમાં બેથી ત્રણ જગ્યા પર પાઇપ લાઇન લીકેજ હોવાની ફરિયાદ મળી છે. આ બાબતે તપાસ ચાલું છે. જોકે, રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન કરી રહ્યાં છીએ.’ - મહેશભાઈ પટેલ, વોટર વક્ર્સ એન્જિનિયર, નગરપાલિકા, પેટલાદ.
શહેરી વિસ્તારનાં દરદીની સંખ્યા વધુ :
'શહેર તેમજ આસપાસના વિસ્તારોના દરદીઓ સારવાર લઇ રહ્યાં છે. મોટાભાગના દરદીઓ શહેરી વિસ્તારનાં જ છે. તેઓ પાણીજન્ય રોગના ભોગ બન્યાં છે. પાલિકાએ પાણીનું ક્લોરિનેશન કરવું જોઈએ.’ -ડો.વી.સી.નાયક, સિવિલ હોસ્પિટલ, પેટલાદ.