60 જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરશે આ મહાશય

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાપાવાંટાના અગ્રણીએ ૬૦મા જન્મદિને સમૂહલગ્નનું આયોજન કરી સમાજમાં નવો ચીલો ચાતર્યો

બે વર્ષ અગાઉ ગામનો સરપંચ હતા ત્યારે સારાં માઠાં પ્રસંગોએ સામાજિક જવાબદારી અદા કરવા તમામના ઘરે જવું પડતું હતું. એમાં લગ્નપ્રસંગમાં જોયું કે ઘણાં લોકો પોતાના ખેતર અને ઘર ગીરવે મૂકીને દીકરીને પરણાવતાં હતાં. જીવનભર મહેનત કરી કમાયેલી મૂડી અનેભવિષ્ય માટે કરેલી બચત તમામ દીકરીનાં લગ્નમાં ખર્ચાઇ જતાં હોવા છતાં દીકરીનાં પિતાએ આર્થિ‌ક ભીંસના લીધે લોકો સમક્ષ હાથ લાંબા કરવા પડતાં હતાં.

ગામની દીકરીનાં પિતાને આર્થિ‌ક મુશ્કેલીના લીધે મજબૂર ના થવું પડે એટલે જન્મદિને કન્યાદાન કરવાનું પુણ્ય મેળવવા સમૂહલગ્નોત્સવનું આયોજન કરી સમાજને રૂણ અદા કરવાનું નક્કી કર્યું હોવાનું બોરસદ તાલુકાના નાપાવાંટા ગામના માજી સરપંચ હાજી ઇન્દુભા જશુભા રાણાએ જણાવ્યું હતું.

આણંદ-બોરસદ રોડ પર આવતાં નાપાવાંટા ગામ પાસે હાલમાં જમીનનું લેવલિંગ કરવા સાથે ભવ્ય મંડપ બાંધવામાં આવી રહ્યો છે. આ માર્ગ પરથી આવતાં-જતાં તમામ લોકોનું ધ્યાન ખેંચે છે. મંડપ સમૂહલગ્ન માટેનો છે, પરંતુ એ સમૂહલગ્ન અનોખા બની રહેશે. કારણ કે એ સમૂહલગ્નોત્સવ કોઇ જ્ઞાતિ, સમાજ, ધાર્મિ‌ક સંસ્થા કે સંપ્રદાય દ્વારા નહીં, પરંતુ ગામના માજી સરપંચ હાજી ઇન્દુભા રાણા દ્વારા યોજાઇ રહ્યા છે. આ ઉપરાંત સમૂહલગ્નની વિશેષતા એ છે કે, એમાં કોઇ જ્ઞાતિ-જાતિ કે કોમનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી.

સમૂહલગ્નના આયોજક હાજી ઇન્દુભા રાણાએ જણાવ્યું હતું કે 'ઇશ્વરે મને સુખ-સંપત્તિ અને સારા સંતાનો આપ્યાં છે. જીવનમાં કંઇ એવું કરવું છે કે જેથી અન્ય વ્યક્તિનો ભાર હળવો કરી શકાય. ૩૧મી મેના રોજ ૬૦મો જન્મદિવસ છે. જેથી જન્મદિવસે ગામના જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના કન્યાદાનનું પુણ્ય મેળવવા સમૂહલગ્નનું આયોજન કર્યું છે. આ કન્યાઓનાં પિતાનો ભાર હળવો થાય તેમજ તે પરિવારને દેવાના બોજ તળે પીસાતા અટકાવી શકાય. સમૂહલગ્નોત્સવમાં દસ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.
સમૂહલગ્નનો તમામ ખર્ચ ઊઠાવવાનો છું. સમૂહલગ્નમાં આઠ હજાર વ્યક્તિનું ભોજન બનાવશે.’

સમાજમાં દાખલો બેસાડવા જઇ રહેલાં હાજી ઇન્દુભા રાણાએ જણાવ્યું હતું કે 'ઘણાં સુખી સંપન્ન લોકો જન્મદિન જેવા પ્રસંગની ધામધૂમથી ઉજવણીમાં મોટાપાયે ખર્ચ કરે છે. જેનાંથી સમાજને કોઇ ફાયદો થતો નથી. આર્થિ‌ક મુશ્કેલીનાં લીધે દીકરીનાં લગ્ન ન કરાવી શકતાં પરિવારો માટે સમૂહલગ્ન યોજીને જરૂરિયાતમંદોને સહારો મળી રહે તેવા પ્રયાસ કરવા જોઇએ.’

લગ્નપ્રસંગનો મોટાભાગનો ભાર હળવો થઇ ગયો

એક કન્યાનાં પિતા અમરસંગ પરમારે જણાવ્યું હતું કે 'હાલમાં દીકરીનાં ધામધૂમથી લગ્ન કરીએ એવી આર્થિ‌ક પરિસ્થિતિ ન હતી. દીકરીનાં લગ્નપ્રસંગ માટે કોઇની આગળ હાથ લંબાવવો પડે તેવી સ્થિતિ હતી. આ પરિસ્થિતિમાં ઇન્દુભા રાણાએ એમનાં જન્મદિને સમૂહલગ્નનું આયોજન કરતાં અમારો ભાર હળવો થઇ ગયો છે.’

દીકરીનાં ધામધૂમથી લગ્ન થશે તેવું વિચાર્યુ નહોતું

સિકંદર મલેકે જણાવ્યું હતું કે 'મેં કયારેય વિચાર્યુ પણ ન હતું કે મારી દીકરીનાં લગ્ન ધામધૂમથી થશે. ઇન્દુભા રાણાની ઉદારતાના લીધે અમે દીકરીનાં લગ્ન ધામધૂમથી થતાં જોઇ શકીશું.’