બોરસદ નગરપાલિકા દ્વારા ૩૮ દુકાનોને ૮ જૂનનું એલ્ટિમેટમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બોરસદ નગરપાલિકા દ્વારા દુકાનદારોને આખરી નોટિસ
- પાલિકાતંત્ર દ્વારા દુકાનદારોના ખર્ચે અને જોખમે બાંધકામ દૂર કરાશે


બોરસદના જનતાબજારમાં આવેલી ૩૮ દુકાનોના આસપાસ, ઉપર અને પાછળના ભાગે કરાયેલાં અનધિકૃત બાંધકામને દૂર કરીને મૂળ પરિસ્થિતિમાં લાવવા માટે ૨૮ દુકાનદારોને બોરસદ નગરપાલિકાએ ૮મી જૂનનું અલ્ટિમેટમ આપી દીધું છે. ૮મી જૂન સુધીમાં દુકાનદારો દ્વારા અનધિકૃત બાંધકામ દૂર નહીં કરવામાં આવે તો નગરપાલિકાતંત્ર દ્વારા દુકાનદારેના ખર્ચે અને જોખમે અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવશે. આ અંગે નોટિસ ફટકારવામાં આવતાં દુકાનદારોમાં ફફળાટ વ્યાપી ગયો છે.

બોરસદના જનતાબજાર વિસ્તારમાં નગરપાલિકાનું કોમ્પલેક્સ આવેલું છે. વર્ષ ૧૯૯૯માં પાલિકાના કાઉન્સિલરોએ બોર્ડમાં ઠરાવ કરીને દુકાનદારોને દુકાનની પાછળનો ભાગ બાંધકામ કરવા આપી દીધો હતો. કોમ્પલેક્સના પાછળના ભાગે કાંસ આવેલો છે. ઉપરાંત જાહેર હરાજી પણ કરવામાં આવી ન હોવાથી ૩૧મી જુલાઇ ૧૯૯૯ના ઠરાવ નં.૭૯ નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઇ વિરુદ્ધ ગેરકાયદેસર હોઇ કલેકટર દ્વારા ૨૦મી ડિસેમ્બર, ૨૦૦૩ના રોજ રદ કરવાનો હુકમ કર્યો હતો. આ દરમિયાન દુકાનદારો દ્વારા પાલિકાએ આપેલી જગ્યામાં બાંધકામ કરી ઉપયોગ શરૂ કરી દીધો હતો.

કલેક્ટરના હુકમ સામે નગરપાલિકાના કાઉન્સિલરોએ નગરપાલિકા નિયામક સમક્ષ અપીલ કરી હતી. જોકે, નગરપાલિકા નિયામકે ૧૩ ઓકટોબર, ૨૦૦૪ના રોજ વિવાદ અરજી નામંજૂર કરી કલેક્ટરના હુકમને માન્ય રાખ્યો હતો. આમછતાં બોરસદ નગરપાલિકાએ નગરપાલિકા નિયામક અને કલેક્ટરના હુકમ વિરુદ્ધ જઇને ૨૭ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ કમિટિ બનાવી હતી. કમિટિએ વર્ષ ૧૯૯૯માં થયેલાં ઠરાવ રદ કર્યો હતો અને દુકાનોના ભાડાપટ્ટા રિન્યુ કર્યા હતા, જેથી જિલ્લા કલેક્ટર દ્વારા કમિટિના ઠરાવ નિર્ણયને રદ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરના હુકમ અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં દુકાનદારો પોતાની વગનો દુરુપયોગ કરીને અનધિકૃત બાંધકામ દૂર કરતાં નોહતા, જેથી ચીફ ઓફિસર જે.જી.ડાભીએ તમામ દુકાનદારોને ૮મી જૂન સવારે ૧૧ વાગ્યા સુધીમાં અનધિકૃત બાંધકામ દૂર કરવાની આખરી નોટિસ ફટકારી છે. આ મુદ્દો હાલમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

નોટિસમાં શું જણાવાયું છે?

બોરસદ નગરપાલિકા દ્વારા ૨૯ મે, ૨૦૧૩ના રોજ દુકાનદારોને અપાયેલી નોટિસમાં જણાવાયું છે કે 'કલેક્ટરના મૂળ હુકમ અનુસાર બાંધકામ દૂર કરવા નોટિસ વખતો વખત પાઠવવામાં આવી છે. તેમ છતાં બાંધકામ દૂર કરાયું નથી. આ ગંભીર બાબત છે. પાલિકા આ આખરી નોટિસથી જણાવે છે કે આ હુકમનું પાલન કરવા ૮મી જૂન, ૨૦૧૩ના સવારે ૧૧ વાગ્યાના રોજ બાંધકામ દૂર કરવામાં આવશે. આ અંગે થનારો ખર્ચ તેમજ જો કોઇ નુકશાન થાય તેની જવાબદારી દુકાનદારોની રહેશે.’

દુકાનદારોને આખરી નોટિસ

બોરસદ પાલિકાના ચીફ ઓફિસર જે.જી.ડાભીએ જણાવ્યું હતું કે 'દુકાનદારોને વારંવાર નોટિસ આપી છતાં અનધિકૃત બાંધકામ દૂર કરતાં નથી. હવે કોઇની શેહશરમ રાખ્યાં વિના ૮મી જૂને ૧૧ વાગ્યે દુકાનોના અનધિકૃત બાંધકામ દૂર કરવામાં આવશે, જેનો સંપૂર્ણ ખર્ચ દુકાનદારો પાસેથી વસૂલવામાં આવશે.’