'હવે આ કિડ્સ માટે કામ એ જ મારો હેતુ’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૨૨ વર્ષે માતૃસંસ્થાનું ઋણ અદા કર્યું

૧૯૯૦ની એક સાંજે વોશિંગ્ટન ડી.સીમાં રહેતા ડોક્ટર દંપતીને એક ફોન આવે છે. આ ફોન આ દંપતી અને તેની સાથે અમદાવાદના એક નવજાત બાળકની જિંદગી બદલી નાંખે છે. બાવીસ વર્ષ પછી શહેરના ખાનપુર ખાતે આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં એક વિરલ ઘટના બને છે. યુએસએથી આવેલો એક યુવાન આ સંરક્ષણ ગૃહને રૂપિયા એક કરોડ ડોનેટ કરે છે. અમર નામનો આ યુવાન એ જ બાળક છે કે જેને બાવીસ વર્ષ પહેલા અહીંથી જ એડોપ્ટ કરવામાં આવ્યો હતો.

વોશિંગ્ટનમાં વર્ષોથી વસતા ડોક્ટર દંપતી ડો. વિજયભાઇ અને રંજનબહેન દવેએ અમરને એડોપ્ટ કર્યો હતો અને આજે અમર જ્ર્યોજ વોશિંગ્ટન યુનિવર્સિ‌ટીમાંથી ગ્રેજ્યુએટ થઇને માસ્ટર ઇન પબ્લિક હેલ્થ કરી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે વિજયભાઇ અને રંજનબહેનનો અમર એક માત્ર પુત્ર નથી. તેમણે ૧૯૮૯માં શિકાગોમાંથી એક દીકરી પણ એડોપ્ટ કરી છે. આ દીકરી વિશેના સમાચાર આ દંપતીને તે લોકો 'દુલારી’ નામની ફિલ્મ જોઇ રહ્યા હતા ત્યારે મળ્યા તેથી તેનું નામ દુલારી પાડવામાં આવ્યું.

આ ડોનેશન વિશે વાત કરતા અમરે જણાવ્યું કે હું એક સક્સેસ સ્ટોરી છું. મારી વાત પુરી થઇ. હવે મારે આ બાળકો માટે કામ કરવું છે. તેમનું પણ ભવિષ્ય મારા જેવું ઉજળું બને તેવું હું ઇચ્છું છું. તેમને હું મારા ભાઇઓ જ ગણું છું. અહીં તે શું કરવા ઇચ્છે છે તે જણાવતા તેણે કહ્યું કે હું બાળકો વચ્ચે કામ કરવા ઇચ્છું છું. તેમના આરોગ્ય માટે કામ કરવું મને વધારે પસંદ પડશે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સી. કે. પટેલે કહ્યું જણાવ્યું હતું કે અમે ભવિષ્યમાં અહીંથી બહાર ગયેલા અને અત્યારે સક્સેસફુલ બનેલા બાળકોને ભેગા કરી રહ્યા છીએ. અમે આ લોકોની એક ટીમ બનાવીશું અને આ ટીમ સંસ્થા માટે ભવિષ્યમાં કામ કરશે.