• Gujarati News
  • Will Allow Construction Of The Auda Area's 68 Villages

ઔડા વિસ્તારના ૬૮ ગામોમાં બાંધકામને મંજૂરી અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ.હદના વિસ્તરણ બાદ ઔડાની જૂની લિમિટની પાલિકા-પંચાયતોમાં મ્યુનિ.ના નિયમો મુજબ બાંધકામની મંજૂરી અપાય છે, પરંતુ ઔડાની હદના વિસ્તરણ બાદ સમાવેશ કરાયેલા નવા ૬૮ જેટલાં ગામોમાં બાંધકામો કેટલાક સમયથી ઠપ થઇ ગયાં હતા, તેને હવે નવા નિયમ મુજબ મંજૂરી મળે તેવી જોગવાઇ કરાઈ છે.

ઔડામાં સમાવષ્ટિ ગામોમાં છેલ્લા કેટલાક સમયથી જમીન ખરીદી રેસિડેન્સિયલ કે કોમર્શિયલ સ્કીમ મૂકવા માટે પ્લાન મંજૂર થતા નહોતા, તેના કારણે કેટલીક જગ્યાએ તો ગેરકાયદે બાંધકામો થઇ ગયા હોવાનું જાણવા મળે છે. હવે ઔડા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા સિટી ડેવલપમેન્ટ પ્લાનમાં ઔડા વિસ્તારમાં સમાવાયેલા ગામોમાં રોડની પહોળાઇ છોડી ગામતળના નિયમ મુજબ બાંધકામની મંજૂરી આપવાની જોગવાઇ સૂચવવામાં આવી છે. ગામોમાં બાંધકામની મંજૂરીથી બાંધકામ ઉદ્યોગને વેગ મળશે તેમજ લોકોને નવા મકાનો ઉપલબ્ધ થશે અને ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ ઉપર બ્રેક વાગશે.

જમીન છૂટી થતાં બિલ્ડરોને ઘી-કેળા :

૬૮ ગામોમાં નવા બાંધકામો ઉપર મુકાયેલા પ્રતિબંધ નવા જાહેર થયેલાં ડેવલપમેન્ટ પ્લાનમાં ઉઠી જતાં બિલ્ડરોને ઘી-કેળા થઈ ગયાં છે. બિલ્ડરોએ અગાઉથી જ સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ગામોમાં રસ્તાની પહોળાઈ છોડીને નવા બાંધકામોના પ્લાનો હવે ઔડા ડીપી મંજૂર થયાના બીજા દિવસથી જ લીલી ઝંડી આપી દેશે.