‘તેઓ પોતાને સમજાય પછી જ કવિતા રચતા’

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાસ્યકાર વિનોદ ભટ્ટે સુરેશ દલાલના વ્યક્તિત્વનાં અનોખા પાસા યાદ કર્યા
કવિની યાદમાં...: કવિ સુરેશ દલાલની ૮૧મી જન્મજયંતી નિમિત્તે તેમનાં કાવ્યોનું પઠન, ગાન અને તેમના જીવન પર આધારિત તસવીરોનું પ્રદર્શન અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી તેમની યાદો તાજી કરવામાં આવી હતી.
કવિ સુરેશ દલાલની ૮૧મી જન્મ જયંતી નિમિત્તે ઇમેજ પબ્લિકેશન્સ અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કાર્યક્રમ 'જલસો’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેશ દલાલના કાવ્યોનું પઠન -ગાન, તેમના જીવન પર આધારિત તસવીરોનું પ્રદર્શન અને દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી તેમની યાદો તાજી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સુરેશ દલાલના જ અવાજમાં તેમનું કાવ્ય પઠન અને તેમનું ખૂબ જ પ્રચલિત વક્તવ્ય લોકોને સંભળાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ સુરેશભાઇના જીવન અને કવન પર આધારિત વિવિધ લોકોએ લખેલા સંસ્મરણો અને કવિતાના સંગ્રહ 'કવિનો સત્સંગ’, સુરેશ દલાલ દ્વારા સંપાદિત વિશ્વની વિવિધ પ્રતિભાઓની મુલાકાતના ગ્રંથ 'મુલાકાતવિશ્વ’ અને વિવેચક, સંપાદક રમણલાલ જોશીના સમગ્ર સાહિ‌ત્યને આવરી લેતા ગ્રંથ 'રમણલાલ જોશી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાર્થિ‌વ ગોહિ‌લના નવા આલ્બમ 'સપ્રેમ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સાથે કવિ સુરેશ દલાલના વિવિધ કાવ્યોનું પઠન ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા, સૌમ્ય જોશી, જિજ્ઞા વ્યાસ, ડો. નિલેશ રાણા અને સરિતા જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.
કવિને પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત અને હેમા દેસાઇ, પાર્થિ‌વ ગોહિ‌લ, અમન લેખડિયા, ગાર્ગી વોરા, શ્રદ્ધા શ્રીધરાણી અને જાહ્ન્વી શ્રીમાંકરે ગીતોથી સ્વરાંજલી અર્પી હતી. આ કાર્યક્રમનું સંગીત સંચાલન દર્શન ઝવેરીએ કર્યું હતું .
આ પ્રસંગે જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટે સુરેશ દલાલના જીવનના કેટલાક પાસાં લોકો સમક્ષ રજૂ કર્યા હતા. તેમણે હળવા સૂરમાં જણાવ્યું કે સુરેશ દલાલ પોતાને સમજાય પછી કવિતા લખતા હતા અને તેમના કાવ્યોમાં તે સરળ શબ્દો વાપરવાનો ખાસ આગ્રહ રાખતા.
આ પ્રસંગે વિનોદ ભટ્ટ, મેયર અસિત વોરા, ઉત્પલ ભાયાણી, અપૂર્વ આશર અને હિ‌તેન આનંદપરા ઉપસ્થિત રહ્યા હતા.