ગુજરાતી પત્રકારત્વના પ્રથમ Ph.D ડૉ. માર્શલનું નિધન

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની સ્થાપના પહેલાં મુંબઇ યુનિ.માંથી પહેલી વખત ‘ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ’ વિષય સાથે ગુજરાતી ભાષામાં જ થિસીસ રજૂ કરી પ્રથમ પીએચડી થનારા પ્રખર પત્રકાર ૯૯ વર્ષીય ડૉ. રતન માર્શલનું રવિવારે સવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું. રતન માર્શલે લખેલું પુસ્તક ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ આજે પણ ગુજરાતી પત્રકારત્વ માટે ‘બાઇબલ’ ગણાય છે અને પત્રકારત્વના અભ્યાસમાં તે ભણાવાય છે. ૧૪મી ઓક્ટોબર ૧૯૧૧ના રોજ ભરૂચમાં જન્મેલા રતન માર્શલે પોતાની કર્મભૂમિ સુરતને બનાવી હતી. જ્યાં વર્ષો સુધી તેમણે સમાજની સેવા કરી હતી. સુરત પારસી પંચાયતમાં વર્ષો સુધી રતન માર્શલે સેવા આપી હતી. તેઓ એક સાહિત્યકાર અને વકતા ઉપરાંત પ્રખર સમાજ સેવક હતા. છેલ્લાં કેટલાંય વર્ષોથી ડૉ. રતન માર્શલ પુત્ર રૂસ્તમ માર્શલ(હાઇકોર્ટના એડ્વોકેટ) સાથે અમદાવાદમાં સ્થાયી થયા હતા. ડો માર્શલે ૭૦ના દાયકામાં પુત્ર રૂસ્તમ સાથે એલએલબી પણ કર્યું હતું. ૧૪-૧૦-૨૦૧૦ના રોજ ૯૯ વર્ષ પૂરાં કરી ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કરનારા ડૉ. માર્શલનો જન્મદિવસ ગુજરાતભરના સાહિત્યકારોએ આનંદથી ઊજવીને તેઓ જીવનની સદી પૂરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી પરંતુ તા. ૧૬-૧-૨૦૧૧ના રોજ સવારે સાડા છ વાગ્યે ડૉ. રતન માર્શલનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. વર્ષ ૨૦૦૨માં દક્ષિણ ગુજરાત યુનિ.એ ડૉ. રતન માર્શલને ડીલીટ (ડોક્ટર ઓફ લેટર્સ)ની પદવીથી સન્માનિત કર્યા હતા તેમની સાથે પ્રખર સાહિત્યકાર ભગવતીકુમાર શર્મા તથા ધીરુ દેસાઇ(ચીફ જસ્ટિસ)ને પણ આ પદવી એનાયત કરાઇ હતી.