ગુજરાતમાં વેટનો ટાર્ગેટ પ૦ હજાર કરોડ છતાં LBT વસૂલાશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આયોજન: પ વર્ષમાં વેટની આવકમાં પ૦૦%નો વધારો છતાં સાત મનપાને પૂરતી ગ્રાન્ટ અપાતી નથી

વાણિજ્યિક વેરા વિભાગને ૨૦૧૩-૧૪માં પ૦ હજાર કરોડનો ટેક્સ ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે. ૨૦૧૨-૧૩માં ગુજરાતમાંથી ૪૧૮૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ ઉઘરાવાયો છે. ગુજરાત સરકારની વેટની આવકમાં ઉત્તરોતર મોટો વધારો થઈ રહ્યો છે. ૨૦૦૭-૦૮માં ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીના પાંચ વર્ષમાં વેટની આવકમાં પ૦૦ ટકાનો વધારો થયો છે, આમ છતાં રાજ્ય સરકાર સાત મહાનગરપાલિકાને ઓક્ટ્રોયના બદલામાં મળતી ગ્રાંટમાં વધારો કરતી નથી પરિણામે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન વેપારીઓ પાસેથી પોતાના હિ‌સ્સાનો ટેક્સ એટલે કે લોકલ બોડી ટેક્સ (એલબીટી) ઉઘરાવવાનું આયોજન કરી રહી છે.

૨૦૦૭-૦૮માં જે વર્ષે રાજ્યની સાત મહનગરપાલિકામાંથી ઓક્ટ્રોય નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો ત્યારે વેટમાંથી મળતો વાર્ષિ‌ક ટેક્સ ૧૦ હજાર કરોડ હતો જે ૨૦૧૩-૧૪માં પ૦ હજાર કરોડ પહોંચી જશે. ઓકટ્રોય નાબૂદ થઈ તેની સામે રાજ્ય સરકારે વેટમાં ૨૦ ટકા એડિશનલ ટેક્સ દાખલ કરી દીધો હતો. આ એડિશનલ ટેક્સની આવક પ હજાર કરોડથી વધી ગઈ છે. આમ છતાં રાજ્ય સરકાર પોતે ટેક્સના રૂપિયાથી મોટા ખર્ચા કરી રહી છે અને રાજ્યની સાત મનપાને ઓક્ટ્રોયના બદલામાં અપાતી ગ્રાંટમાં પાંચ વર્ષથી વધારો કરતી નથી.

રાજ્ય સરકારકોર્પોરેશન વચ્ચેની આ લડાઈમાં વેપારીઓ પીસાઈ રહ્યાં છે. રાજ્ય સરકાર ગ્રાંટ નથી આપતી તેવું કહીને અમદાવાદ કોર્પોરેશને વેપારીઓ પાસેથી લોકલ બોડી ટેક્સ ઉઘરાવવાનું આયોજન શરૂ કર્યું છે. રાજ્ય સરકાર લોકો પાસેથી પહેલાથી જ આટલો મસ મોટો ટેક્સ ઉઘરાવી રહી હોઈ ત્યારે એલબીટી આપવાનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે.

- પેટ્રોલ અને ગેસના વધતા ભાવોથી સરકારની તિજોરી છલકાઈ

પેટ્રોલ, ક્રૂડ અને ઘરમાં તથા ઈન્ડસ્ટ્રીમાં વપરાતાં પાઈપ્ડ નેચરલ ગેસ પર ૧પ ટકા વેટ લેવાય છે. આ ઇંધણની કિંમતમાં વધારો થઈ રહ્યો છે અને આ વધારાના કારણે સરકારની આવકમાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર એક તરફમાં ઘરમાં વપરાતાં એલપીજી ગેસ સિલિન્ડર પર સબસિડી આપી રહી છે, જ્યારે રાજ્ય સરકાર પાઈપથી પૂરા પડાતાં ગેસના ભાવ પર કોઈ નિયંત્રણ પણ નથી રાખતી અને ઉલટાનો તેના પર ૧પ%ના દરે વેટ વસૂલે છે. એ જ રીતે સીએનજી પર અન્ય રાજ્ય સરકાર ઓછો ટેક્સ ઉઘરાવે છે જ્યારે ગુજરાત સરકાર ૧પ ટકા જેટલો ઊંચો ટેક્સ ઉઘરાવે છે. આથી સરકારની તિજોરી છલકાઈ રહી છે.

- ૨૦૧૨-૧૩માં સૌથી વધુ ટેક્સ લાવનાર કમોડિટી

કોમોડિટીમળેલ ટેક્સ (રૂ. કરોડમાં)
ગેસ૭૧૦૬.૬૨
ઓટોમોબાઈલ્સ૩૦૩૭.૦૭
સિમેન્ટ૧૨૬૩.પ૬
કેમિકલ્સ૭૬૯.૨૨
તંબાકુ૭૬પ.૯૯
ઈલેક્ટ્રિકલ્સ/ઈલેકટ્રોનિક્સ૭૪૧.૪૬
ક્રૂડ ઓઈલપ૦૨.૧૪
આર્યન એન્ડ સ્ટીલ૪૭૮.૦૭
એફએમસીજી૪૪૮.૯૮
મોબાઈલ્સ૩૯૮.૭૭