અમદાવાદ મ્યુનિ.બોર્ડમાં ધાંધલ-ધમાલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટે. કમિટીમાં કોંગ્રેસના બે સભ્યોને સ્થાન આપવાનો ઈનકાર કરાતા હંગામો કોંગ્રેસના સભ્યોએ મેયરના આસન પાસે સૂત્રોચ્ચાર કર્યા મેયરે સભાગૃહની કાર્યવાહી આટોપી લીધી સ્ટે.કમિટીમાં પ્રોરેટા મુજબ કોંગ્રેસના બે સભ્યોને સ્થાન આપવાના ઇન્કાર તથા શહેરીજનોના પ્રશ્નોની ચર્ચા માટે શૂન્યકાળ શરૂ કરવાની ધરાર ના પાડી દેવાતાં મ્યુનિ. બોર્ડમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ધાંધલ-ધમાલ મચાવી મૂકી હતી. મ્યુનિ. જનરલ બોર્ડની મંગળવારે મળેલી બેઠકમાં સૌપ્રથમ શોકઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ સ્ટે.કમિટીમાંથી નિવૃત્ત થયેલા પાંચ સભ્યોને ફરી નિમણૂક આપવા માટે દરખાસ્ત રજૂ થતાં કોંગ્રેસના બે સભ્યોના નામો પણ ઉમેરાયા હોવાથી મૌખિક મતદાનથી ભાજપના સભ્યોને સ્ટે.કમિટી માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. તેની સામે વિરોધ નોંધાવતાં મ્યુનિ.વિપક્ષનેતા બદરુદ્દીન શેખે ઊભા થઇ કહ્યું કે, મ્યુનિ. પ્રોરેટા મુજબ, સ્ટે.કમિટીમાં કોંગ્રેસના બે સભ્યોને સ્થાન મળવું જ જોઇએ. બીજા શહેરોમાં જે થયું હોય તે, પરંતુ અહીં અલગ પ્રણાલી જળવાઇ છે તેનું પાલન કરવું જોઇએ. વિપક્ષનેતાની રજૂઆતને વચ્ચેથી કાપતાં એએમટીએસ ચેરમેન અમીત શાહે પણ વળતો જવાબ આપ્યો કે, ગાંધીનગર અને જૂનાગઢ મ્યુનિ.માં પ્રોરેટાનો અમલ કરાવો પછી અમદાવાદની વાત કરજો. અમીત શાહની વાતને ભાજપના સભ્યોએ ટેકો આપ્યો હતો. ત્યારબાદ મેયર આસિત વોરાએ અન્ય પ્રોસિડિંગ હાથ ધરતાં કોંગ્રેસ પક્ષના નેતાએ ફરી ઊભા થઇ એવી રજૂઆત કરી કે, મ્યુનિ. બોર્ડ મહિ‌ને એક જ વાર મળે છે તેથી શહેરીજનોના પ્રશ્નોની રજૂઆત કરવા ઝીરોઅવર્સ શરૂ કરવો જોઇએ, જેનો મેયરે ઇન્કાર કરી દેતાં કોંગી સભ્યો ઉકળી ઊઠ્યા હતા અને મેયરના આસન તરફ દોડી ગયા હતા. ત્યાં બેસી જઇ ભાજપવિરોધી સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા બાદ ભાજપના ર્કોપોરેટરો ઊભા થઇ મેયરના આસન પાસે આવી જઇ કોંગ્રેસની સામે વળતાં સૂત્રોચ્ચાર કરતાં બોર્ડમાં ઘોંઘાટ છવાઇ ગયો હતો અને મેયરે ધાંધલ-ધમાલ વચ્ચે સભાગૃહની કાર્યવાહી આટોપી લીધી હતી. તે પછી પણ કોંગ્રેસ અને ભાજપના સભ્યો પોતપોતાના કાર્યાલય તરફ જતી વખતે પણ સામસામે સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો. લોકપ્રશ્નોની ચર્ચા માટે સમય ન ફાળવાતાં કોંગ્રેસનો વિરોધ મ્યુનિ. જનરલ બોર્ડની બેઠકમાં શહેરીજનોના પ્રશ્નોની ચર્ચા માટે સમય ન અપાતા કોંગ્રસના સભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. થાનગઢના મામલે કોંગ્રેસે ખેલ પાડી દીધો મ્યુનિ.સામાન્ય સભામાં શોકઠરાવો રજૂ થયાં બાદ મ્યુનિ.વિપક્ષનેતાએ એવી રજૂઆત કરી કે થાનગઢમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા દલિત મૃતકોને પણ શોકાંજલી અર્પવી જોઇએ. જેના જવાબમાં મેયરે ફક્ત સારું ચાલો એટલું કહી અન્ય પ્રોસિડિંગ હાથ ધર્યું હતું. બોર્ડની બેઠક બાદ બદરુદ્દીન શેખે આક્ષેપ કર્યો હતો કે, શોકાંજલિ અર્પવામાં પણ ભાજપે ભેદભાવ રાખી પોતાનું મૂડીવાદી વલણ છતું કર્યુ છે. એક હજાર કરોડનું આંધણ છતાં રોડ-રસ્તા ધોવાઈ ગયા શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં નવા રોડ તથા જૂના રોડ રિસરફેસનાં કામો પાછળ એક હજાર કરોડ જેટલી જંગી રકમનું આંધણ કરવામાં આવ્યું હોવા છતાં આજની તારીખે મોટા ભાગના રોડ ધોવાઇ ગયા છે તે જોતાં રોડ રિસરફેસના કામોમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરતાં મ્યુનિ.કોંગ્રેસે જ્યુડિશિયલ ઇન્કવાયરી કરાવવાની માંગણી કરી છે. તાજેતરના વરસાદમાં શહેરના મોટા ભાગના રસ્તાની હાલત બદતર થઇ જવા પામી છે તેમ કોંગ્રેસપક્ષનેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું. ભૂતકાળમાં બનેલા રોડ હજુ તૂટયા કે ધોવાયા નથી, ત્યારે કરોડો રૂપિયા ખર્ચી બનાવાયેલા નવા રસ્તા ધોવાઇ ગયા છે અને ૧૦ ટકા રકમ ડિપોઝિટ તરીકે રાખવામાં આવતી નથી. શહેરમાં ૬૦થી ૭૦ ટકા રસ્તા ધોવાઇ ગયા છે, જેને ફરી રિસરફેસ કરાવવા જતાં પ૦૦ કરોડનો જંગી બોજ મ્યુનિ.તિજોરી ઉપર લાદવાને બદલે જે તે કોન્ટ્રાકટરો પાસે જ ફરી રિસરફેસ કરાવવાની માંગણી તેમણે કરી હતી. ઓડિટ રિપોર્ટમાં આટલાં કૌભાંડોનો પર્દાફાશ થયા પછી પણ પ્રામાણિકતાની વાતો કરતા શાસક ભાજપે કોન્ટ્રાકટરો, થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કંપનીઓ, અધિકારીઓ કોઇનીય સામે દાખલો બેસે તેવા પગલાં લેવાને બદલે તમામને બચાવવાના જ કારસા ઘડયા હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષનેતાએ રોડ રિસરફેસના મામલે સીટિંગ જજ પાસે જયુડિશિયલ ઇન્કવાયરી કરાવવા અને શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરી છે. પ‌શ્ચિ‌મમાં જ સૌથી વધુ રોડ કૌભાંડ મ્યુનિ.વિપક્ષનેતાએ ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, સૌથી વધુ રોડ રિસરફેસના કામો નવા પ‌શ્ચિ‌મ ઝોન અને પ‌શ્ચિ‌મ ઝોનમાં જ કરવામાં આવ્યા છે. સને ૨૦૧૧માં ૧૬૪ કરોડના રોડ રિસરફેસના તથા ૧૧૬ કરોડના મોડલ રોડના કામો કરાયા છે. તેની સામે બીજા ઝોનમાં એટલા કામો જ મુકાયા નથી.