અમદાવાદ :શુકન બિલ્ડર સામે વધુ બે કરોડની ઠગાઈની ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સોલા, સરદાનગર અને સાબરમતી બાદ નવરંગપુરા ખાતે
- પોલીસ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે બિલ્ડરની ધરપકડ કરશે
અમદાવાદ : શુકન બિલ્ડર સામે સોલા, સરદારનગર, સાબરમતી બાદ વધુ એક પોલીસ ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાઈ છે. વેચાણ થઈ ગયેલા ૨૦ ફલેટોનો બે કરોડમાં સોદો કરી ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ, અગાઉ નોંધાયેલી પોલીસ ફરિયાદ અન્વયે શુકનના બિલ્ડર રમેશ પટેલ જેલમાં છે ત્યારે નવરંગપુરા પોલીસ આગામી દિવસોમાં તેમની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે.

મણિનગર સ્થિત દક્ષિણી સોસાયટી પાસે આવેલી દિલીપનગર સોસાયટી ખાતે રહેતા નીતિનભાઈ શાંતિલાલ શાહ સી.જી.રોડ ખાતે શિ‌લ્પ બિલ્ડિંગમાં મેટ્રો ગ્લોબલ લિમિટેડ નામે ઓફિસ ધરાવે છે. તેમણે શુકન કન્સ્ટ્રકશનના ડિરેકટર રમેશ પટેલ અને તેમના ભાગીદારો જોડે તેમની જુદી જુદી સ્કીમમાં ૨૦ ફલેટોનો સોદો કર્યો હતો. નીતિનભાઈએ જે ફલેટના સોદા કર્યા હતા તે ફલેટોનું વેચાણ થઈ ગયું હોવા છતાં તે પેટે રૂ.બે કરોડની જંગી રકમ રમેશ પટેલ અને તેમના ભાગીદારોએ નીતિન શાહ પાસેથી વસૂલી હતી. ફલેટ પેટે રકમ લીધા બાદ ફલેટનું પઝેશન નહીં મળતા આખરે નીતિનભાઈને પોતે છેતરાયા હોવાનું ધ્યાને પડયું હતું.

અંતે તેમણે બે દિવસ પહેલાં નવરંગપુરા પોલીસમાં રમેશ પટેલ અને તેમના ભાગીદારો મહેશકુમાર રેવાભાઈ પટેલ, વિજયકુમાર રેવાભાઈ પટેલ, રોમીલ રમેશભાઈ પટેલ, ધીરેન પ્રહલાદભાઈ પટેલ તથા ભરત રણછોડભાઈ પટેલ સામે પોલીસ ફરિયાદ કરી હતી. નવરંગપુરા પોલીસમથકના સિનિયર પોલીસ ઈન્સ્પેકટર આર.વી. દેસાઈએ કહ્યું કે, ફરિયાદી નીતિનભાઈની ઓફિસમાં ૨૦ ફલેટ પેટેના બે કરોડ રૂપિયાનો સોદો થયો હતો. જેને પગલે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શુકનના ડિરેકટર રમેશ પટેલ હાલ જેલમાં છે. વધુ તપાસ ચાલી રહી છે.’