આજે કાળીચૌદસ : ઉગ્ર દેવી-દેવતાની આરાધનાનું મહાત્મ્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે કાળીચૌદસ : મારુતિ યજ્ઞ સહિત પૂજાનાં આયોજન
અમદાવાદ : કાળી ચૌદસને નરક ચતુર્દશી પણ કહેવામાં આ‌વે છે. વિઘ્ન-બાધાઓના નિવારણ માટે કાળી ચૌદસની રાત્રે ભૈરવ રુદ્ર, હનુમાનજી કે મહાકાળી માતાજી જેવા ઉગ્ર દેવી-દેવતાઓની પૂજા આરાધના કરાય છે. વધુમાં આદિ-અનાદિ કાળથી કાળી ચૌદસની રાત્રે તંત્ર-મંત્ર-યંત્ર સિદ્ધિ પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે સામાન્ય લોકો પણ હનુમાનજીની ઉપાસના કરી જીવનમાં આવેલી અશાંતિ દૂર કરી સંકટ અને બાધાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. વધુમાં અનેક શ્રદ્ધાળુઓ ચાર રસ્તે વડા મૂકીને ઘરના કંકાસ દૂર કરતા હોય છે.

આ રાત્રીને સિદ્ધદાયિની રાત્રી પણ કહેવામાં આવે છે. તેથી આ દિવસે રાત્રીના સમયે વિવિધ યંત્ર તંત્રની સિદ્ધિના પ્રયોગો પણ કરવામાં આવે છે. વધુમાં આ દિવસે શક્ય હોય તેટલા વધુ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ જેથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. આ દિવસે શહેરના અનેક મંદિરોમાં મારુતિ યજ્ઞ સહિત વિશિષ્ટ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. કાળી ચૌદસના દિવસે તમામ પ્રકારના વિઘ્નોના નિવારણ માટે રાતે લાલ કે કેસરી વસ્ત્ર પહેરી ‘ઓમ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુરુ ભટ્ સ્વાહા’ મંત્રની સાત માળા કરવાથી કાર્યમાં થતી રૂકાવટ તેમજ રોગ, તકલીફ કે મુશ્કેલીઓ દૂર થાય છે.

આ અંગે જ્યોતિષી ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે, હનુમાનજીને લાલ કે કેસરી પુષ્પ, ચુરમાના લાડુ, સુખડી, સિંદૂર તેલ અને શ્રીફળ ચઢાવી ઉપાસના કરવાથી તમામ બાધાઓ દૂર કરી શકાય છે. શત્રુ સંકટ નિવારણ માટે ‘ઓમ્ પૂર્વ કપિ મુખાય પંચમુખ હનુંતે સકલ શત્રુ સંહારણાય સ્વાહા’ મંત્રની માળા કરવી જોઈએ. જ્યારે કોઈ પણ પીડા સંકટમાંથી મુક્તિ માટે ‘અસરત અસરત વીર હનુમાન, વીર હનુમાન આ્ન કરો પર કારજ મોરો, આન કરો સબ પીરા મોરો, આન હરો તુમ ઇન્દ્ર કા કોઠા આન ધરો તુમ વજ્ર કા સોટા દુહાઈ ગોરખનાથ કી દુહાઈ ગોરખનાથ કી’ મંત્રનો જાપ કરવાથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.

કાળીચૌદસ મુહૂર્ત

- સાંજે 4.41થી 6.07 લાભ
- સાંજે 7.41થી 9.16 શુભ
- રાત્રે 9.16થી 10.50 અમૃત
- રાત્રે 10.50થી 12.24 ચલ