સાણંદમાં તાતા નેનો પ્રોજેક્ટને કરરાહતો કાયદેસર: હાઈકોર્ટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાતા મોટર્સના સાણંદ ખાતેના નેનો પ્રોજેક્ટ માટે કરવેરામાં રાહત અને તે ઉપરાંત વેલ્યૂ એડેડ ટેક્સની રિકવરી સામે ૦.૧ ટકાની સોફ્ટ લોન આપવાના સરકારના નિર્ણયને પડકારતી જાહેર હિ‌તની અરજીને હાઈકોર્ટની ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિ યોગ્ય છે અને તાતાને અપાયેલી કરરાહતોમાં કોઈ ગેરકાયદેસરતા નથી. અન્ય રાજ્યોએ તાતા મોટર્સને જે કરરાહતો આપવા તૈયારી દર્શાવી હતી તેના કરતાં રાજ્ય સરકારે ઓછી રાહતો આપી છે.

સરકારી વકીલ પ્રકાશ જાનીએ દલીલ કરી કે, સરકારની ઔદ્યોગિક નીતિ પ્રમાણેના નિર્ણયથી રોજગારી વધી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ટાંકતા તેમણે દલીલ કરી હતી કે નીતિવિષયક નિર્ણયમાં કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. અરજદાર હિ‌માંશુ પટેલ વતી એડ્વોકેટ યતિન ઓઝાએ રજૂઆત કરી હતી કે સરકારે તાતા નેનો પ્લાન્ટ માટે આપેલી રાહતો વાજબી નથી. સરકાર જો ટેક્સમાં રાહત આપે તો એ હજુ સમજી શકાય, પણ ટેક્સની રિકવરી પર રિફંડ અપાય એ ન ચાલે.

વેલ્યૂ એડેડ ટેક્સમાં રાહત અપાય તો એમાં કંપનીને અને ગ્રાહકને બંનેને ફાયદો છે, પણ જ્યારે ગ્રાહક પાસેથી ટેક્સ વસૂલી લેવામાં આવે અને ત્યાર બાદ આ જ કરવેરાની સામે ૦.૧ ટકાની લોન આપવામાં આવે તો એ ગ્રાહક સાથે પણ અન્યાય છે અને કંપનીને સીધો ફાયદો કરાવવા માટે સરકારે જીઆર બહાર પાડીને ૦.૧ ટકા પ્રમાણેની લોન આપવાનો ગેરકાયદે નિર્ણય લીધો છે. સરકારનો પરિપત્ર રદ થવો જોઈએ અને તાતાને મળેલી રાહતોની વસૂલાત થવી જોઈએ. યતિન ઓઝાએ કહ્યું હતું કે, હાઈકોર્ટના આ ચુકાદાને તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારશે.