ગેરકાયદે પાણીની ચોરી અને વેચાણ ન થાય તેની કાળજી લેવી : હાઇકોર્ટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના પાણી પુરવઠા મંત્રીના મળતિયાઓ દ્વારા પાણીની ચોરી અને તેનું વેચાણ થવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા થયેલા સોગંદનામા બાદ અરજદારને સોગંદનામું કરવાનો આદેશ કર્યો હતો. કાર્યકારી ચીફ જસ્ટિસ વી.એમ.સહાય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે એવું પણ નોંધ્યું હતું કે,'કેસની વધુ સુનાવણી વેકેશન પછીના બે અઠવાડિયા પછી નીકળશે. દરમિયાન એ વાતની કાળજી લેવાની રહેશે કે પાણીની ચોરી કે વેચાણ કરવામાં ન આવે.’

મંત્રી બાબુ બોખીરિયા દ્વારા તેના મળતિયાઓ મારફતે પાણીની ચોરી થતી હોવાના મુદ્દે અરજદાર માલદેભાઇ નર્મદભાઇ તથા અન્યોએ એડ્વોકેટ બી.એમ.મંગુકિયા મારફતે હાઇકોર્ટમાં જાહેરહિ‌તની અરજી કરી હતી. જેમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,'પોરબંદરના જ્યુબિલી હેડવર્ક્સ વિસ્તારમાં પાણીનું મેઇન ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર આવેલું છે. જેની નજીકમાં એક સાર્વજનિક પ્લોટ છે.

તેની બાજુમાં એક ગેરકાયદેસરનો કૂવો ખોદી કઢાયો છે. અહીં નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પણ બીજા બે કૂવા બનાવવામાં આવ્યા છે. પાણીના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરથી જતી પાઇપ રાતના સમયે તોડી કાઢીને પાણી આ કૂવાઓમાં ભરી લેવામાં આવે છે. ત્યારબાદ દિવસ દરમિયાન તેમાંથી ટયૂબ વડે પાણી ટેન્કરોમાં ભરીને ગામડામાં વેચવામાં આવે છે.’