• Gujarati News
  • Tablet Battery Lasts Only For 3 Hours While Paper Time Is Of 3.5 Hours

ટેબલેટ ની બાજનજર છતા પરીક્ષામાં ચોરી થઇ શકે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવારથી હાથ ધરાનારી ધો. ૧૦,૧૨ની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા રેકોર્ડિંગ માટે પ્રથમ વખત ટેબલેટનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિત મુખ્ય સર્વર સાથે કનેક્ટેડ રહેનારા આ ૧૩૦૦ જેટલા ટેબલેટને અમદાવાદની ૧૦ સ્કૂલના ૧૨૩ વર્ગખંડોમાં ગોઠવવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે ધો. ૧૨ સાયન્સમાં ગેરરીતિ અટકાવવા માટે રૂ. પ૦ લાખના ખર્ચે ટેબલેટનો ઉપયોગ કરાયો છે, પણ ટેબલેટની બેટરી ત્રણ કલાક ચાલે છે અને પ્રશ્નપત્ર સાડા ત્રણ કલાક છે. આમ ટેબલેટની બેટરી પૂરી થઈ જાય એટલે અડધો કલાક સુધી કોઇ સ્કૂલ ધારે તો ગેરરીતિ સહેલાઇથી કરાવી શકે છે.

આરંભથી જ વિવાદમાં રહેલા આ ટેબલેટના મુદ્દે બોર્ડના કારોબારીના સભ્ય કનુ પટેલે જણાવ્યું હતું કે બોર્ડના ચેરમેન સહિ‌તના અધિકારી પાસે ટેબલેટની વિગત મંગાઇ હોવા છતાં જાહેર કરાઇ નથી. ટેબલેટની બેટરી ત્રણ કલાક ચાલે છે અને પ્રશ્નપત્રો સાડા ત્રણ કલાક સુધીના છે. બેટરી જતી રહે ત્યારે ટેબલેટ બંધ પડી જાય અને કોઇપણ વ્યક્તિ ધારે તો ચોરી કરાવી શકે છે. વળી, સાયન્સમાં પ૦ માર્કના પ૦ પ્રશ્નો વૈકલ્પિક છે.


૧૨ સાયન્સમાં ટેબલેટ મુખ્ય
ટેબલેટ બંને પરીક્ષામાં વાપરવાના છે, પણ ધો. ૧૨ સાયન્સમાં મુખ્ય છે. વી.જે.વાળંદ, પરીક્ષા સચિવ

વિદ્યાર્થીઓને ૨૦ મિનિટ પહેલાં પ્રવેશ અપાશે

વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રના સમયની ૩૦ મિનિટ પહેલા પરીક્ષા સ્થળ પર પહોંચવાનુ રહેશે અને તેમને ૨૦ મિનિટ પહેલા પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ તો ઠીક, પરંતુ પરીક્ષા કેન્દ્રના કર્મચારીઓ પણ મોબાઈલ સાથે લઇ જઇ શકશે નહીં. સ્કૂલમાં સૂચના પેટી હશે. દરેક કર્મચારી માટે ઓળખકાંડ ફરજીયાત છે. પરીક્ષા સ્થળની આસપાસ ૧૪૪ કલમ અને આસપાસની ઝેરોક્ષની દુકાન બંધ રાખવાની રહેશે. વિદ્યાર્થીઓએ બુટ અને ચંપલ મોજા રૂમની બહાર કાઢવાના રહેશે.


શહેરની ૧૦૩ સ્કૂલોમાં સીસીટીવી ગોઠવાયા

શહેરની બાવન સ્કૂલો અને ગ્રામ્યની પ૧ સ્કૂલો મળીને કુલ ૧૦૩ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા મુકાયા છે. કેમેરાના રેર્કોડિગની સીડી બનાવીને બોર્ડને ઉત્તરવહીની સાથે મોકલાવાશે.

સ્કૂલના જ વિદ્યાર્થીઓ અને સ્કૂલના જ સંચાલકો

અમદાવાદ શહેર અને ગ્રામ્યની ઘણી સ્કૂલોમાં પ૦ ટકાથી વધુ પરીક્ષાર્થી પોતાના જ વિદ્યાર્થીઓ છે. છતાં આવી સ્કૂલોના સ્થળ સંચાલકોને નિયમ પ્રમાણે બદલવામા આવ્યા ન હોવાની ફરિયાદ ઊઠી છે.