• Gujarati News
  • Sward Of Suspension On Jail Superintendent Over Sabarmati Jail Break Incident

સુરંગકાંડ:જેલ સુપરિ. પારઘીને ટૂંકમાં સસ્પેન્ડ કરાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાબરમતી જેલમાં સુરંગ ખોદાઈ તેનો ખુલાસો થાય બાદ જેલ સુપરિન્ટેન્ડેન્ટ આર. જે. પારઘીની ભૂમિકા અત્યંત શંકાસ્પદ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બાબતે પારઘીની પૂછપરછ કરી હતી. આ પ્રકરણમાં તેમની સામે અતિગંભીર પ્રકારની બેદરકારીનો ગુનો નોંધાય તેવી શક્યતા છે.

બીજી બાજુ હાઈપાવર કમિટીએ પણ તેમની શંકાસ્પદ ભૂમિકાના મુદ્દે કડક શબ્દોમાં પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હોવાથી તેમને ટૂંક સમયમાં જ સસ્પેન્ડ કરાશે. આજકાલમાં જ હાઈપાવર કમિટી ગૃહ વિભાગને રિપોર્ટ આપશે.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે ૨૪ કલાકના ગાળામાં જેલમાં શું થયું અને તેમાં કોણ કોણ સંડોવાયેલા હતા તે બાબતે તેમની પૂછપરછ કરાઈ છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચને સુરંગકાંડને લાગતી પણ કેટલીક મહત્ત્વની કડીઓ મળી છે.

આ પ્રકરણમાં તપાસ કરતી અન્ય એજન્સીઓએ પણ પારઘીની ભૂમિકા અંગે ઘટસ્ફોટ કર્યો છે. સૂત્રોએ એ તો ત્યાં સુધી કહ્યું હતું કે જેલમાં છેક નવેમ્બરથી સુરંગ ખોદાઈ રહી હતી.

અને તેની જાણ જેલ સુપરિન્ટેન્ડેન્ટને ન હોય તે ગુનાઈત પ્રકારની બેદરકારી છે અને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ. ગૃહ વિભાગના સૂત્રોએ પણ પારઘી સામે લેવાઈ રહેલા સસ્પેન્શન અને કાર્યવાહી સુધીના પગલાંની પુષ્ટી કરી છે.