એલડીમાં અધ્યાપકોની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓની હડતાળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલ બ્રાન્ચની ઈન્ટરનલ પરીક્ષા રદ કરવાની ફરજ પડી એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મોટાપાયે કરાયેલી પ્રોફેસરોની બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓએ મંગળવારે હડતાળ પાડી હતી. હડતાળના પગલે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસર પડી હતી જ્યારે સિવિલ બ્રાન્ચની ઈન્ટરનલ પરીક્ષા પણ રદ કરવાની ફરજ પડી હતી.હડતાળ દરમિયાન વિદ્યાર્થીઓએ કોલેજમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રાજ્યના ટેક્નિકલ શિક્ષણ વિભાગે તાજેતરમાં એન્જિનિયરિંગ કોલેજોમાં બદલી તથા બઢતીના ઓર્ડર કર્યા હતા. જેમાં સમગ્ર રાજ્યમાંથી ૪૦ બદલીઓ અને ૬૯ પ્રમોશનોની જાહેરાત કરાઈ હતી. આ બદલીઓ પૈકી એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી ૨૭ પ્રોફેસરોની બદલી કરાઈ હતી. જ્યારે બહારથી ૯ પ્રોફેસરોને એલડીમાં નિમણૂક આપી હતી. આમ એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી મોટાપાયે બદલીઓ કરાતા વિદ્યાર્થીઓએ મંગળવારે હડતાળ પાડી હતી. જોકે હડતાળની અસર સિવિલ વિભાગમાં જ સૌથી વધુ દેખાતી હતી. મોટાભાગના સિવિલ વિભાગના વિદ્યાર્થીઓ જ હડતાળના સમર્થનમાં શૈક્ષણિક કાર્યથી અળગા રહ્યા હતા. રાજ્યમાં આવેલી સરકારી કોલેજોમાં ૮પ૦ જેટલી અધ્યાપકોની જગ્યા ખાલી છે ત્યારે એલડીમાંથી મોટા પાયે બદલી કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. સિવિલ વિભાગમાં ઇન્ટરનલ પરીક્ષા રાખવામાં આવેલી હતી, પરંતુ વિદ્યાર્થીઓની હડતાળના પગલે ઇન્ટરનલ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હોવાનું સત્ર્ૂાોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધ્યાપકોના કહેવા પર જ વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી. જોકે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ હડતાળમાં જોડાયા હોવાનું જણાવતા હતા.