એસ.ટી. નિગમના કર્મચારીઓ છઠ્ઠીએ હડતાળ પાડશે જ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એસટી મેનેજમેન્ટ સાથેની મંત્રણામાં કોઈ નક્કર પરિણામ ન આવતાં લેવાયેલો નિર્ણય

પડતર માગણીઓ મુદ્દે એસટી નિગમના કર્મચારીઓની હડતાળની જાહેરાત પછી મંગળવારે યોજાયેલી મેનેજમેન્ટ સાથેની મંત્રણામાં કોઈ નક્કર પરિણામ ન આવતાં, છઠ્ઠી જૂનની હડતાળ યથાવત હોવાની જાહેરાત કરાઈ છે. એસટીના ત્રણેય યુનિયન ગુજરાત એસટી વર્કર્સ ફેડરેશન, ગુજરાત એસટી મજદૂર મહાસંઘ અને ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળના આગેવાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ત્રણેય યુનિયનો દ્વારા છઠ્ઠીએ કામથી અળગા રહી હડતાળ પર જવાની કરાયેલી જાહેરાતના પગલે મેનેજમેન્ટે મંત્રણા કરવા બોલાવ્યા.

અધિકારીઓ દ્વારા આશ્રિતોના મુદ્દે પોઝિટિવ વલણ દાખવવામાં આવ્યું હતું, જ્યારે ઓવરટાઈમના મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા સહિ‌ત પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા યોગ્ય નિર્ણય લેવા મૌખિક રજૂઆત કરાઈ હતી. જોકે મેનેજમેન્ટ દ્વારા આ તમામ મુદ્દે કોઈ ચોક્કસ બાંયધરી ન અપાતા તેમણે હડતાળ યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી.

- અધિકારીઓએ આશ્વાસન ના આપ્યા

એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ સતુભા ગોહિ‌લે જણાવ્યું કે, અધિકારીઓ દ્વારા કોઈ આશ્વાસન આપવામાં આવ્યું નહોતું તથા ૬ જૂન પહેલા ફરી એકવાર મંત્રણા કરવા મૌખિક સૂચના અપાઈ હતી. જેના પગલે હડતાળ યથાવત્ રહેશે.