• Gujarati News
  • State Governemtn Will Start Mobile Help As Heart For Womens Security

મહિ‌લાઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર મોબાઈલ હેલ્પલાઈન 'હાર્ટ’ રચશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હેલ્પ ઇમરજન્સી આસિસ્ટન્ટ ટર્મિ‌નલથી મહિ‌લાઓ પોલીસ મદદ મેળવી શકશે
- ૮ માર્ચથી હેલ્પલાઇન શરૂ થશે તથા ટોલ ફ્રી નંબર રખાશે
- કટોકટીમાં પોલીસ મોબાઇલ લોકેશનથી ઘટનાસ્થળે પહોંચશે


ગુજરાત સરકારે મહિ‌લાઓની સુરક્ષા માટે વધુ સતર્ક પગલા લેતા મોબાઈલ ફોન હેલ્પલાઈનની રચનાની જાહેરાત કરી છે. સરકાર હેલ્પ ઈમરજન્સી આસિસ્ટન્ટ રેસ્કયુ ટર્મિ‌નલ (હાર્ટ)ની રચનાની જાહેરાત કરી છે. આ એક હેલ્પલાઈન છે જે મહિ‌લાઓને મોબાઈલ ફોનના માધ્યમથી તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે.

ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ. કે. નંદાનું કહેવું છે કે 'આ હેલ્પલાઈન ૮ માર્ચથી શરૂ થશે. શરૂઆતમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે આ હેલ્પલાઈન અમદાવાદમાં શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના અન્ય ભાગમાં આ સેવા શરૂ કરાશે.’

સરકાર આ આ હેલ્પલાઈનના ઉપયોગ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર રાખશે અને આ નંબરની જાહેરાત પણ ૮ માર્ચે કરવામાં આવશે. રાજ્ય સરકારે આ સર્વિ‌સ માટે વિવિધ ટેલિકોમ સર્વિ‌સ પ્રોવાઈડર સાથે પણ જોડાણ કર્યું છે. ટેલિકોમ કંપનીઓનું સોફટવેર હેલ્પલાઈન પર આવતા ફોનને જે તે શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમમાં જોડી દેશે. જો કોઈ મહિ‌લા વધુ ખરાબ સ્થિતિમાં મૂકાઈ હોઈ અને તે બોલી પણ ના શકે તેમ હોઈ તો પણ પોલીસ મોબાઈલ ફોનના આધારે તેનું લોકેશન જાણી શકશે અને ત્યાં મદદ માટે નજીકના પોલીસ સ્ટેશનથી તાત્કાલિક મોબાઈલ વાન દોડાવવામાં આવશે.

એસ. કે. નંદાએ અમદાવાદ જેવા શહેરમાં વધતી જતી ગુનાખોરીને ધ્યાનમાં લઈને ગુનાખોરી રોકવા માટે આમજનતા શું કરી શકે તેનો સંદેશો મીડિયાના માધ્યમથી ફેલાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત શહેરોમાં મહિ‌લાઓની સુરક્ષા માટે પુરતાં પગલા લેવાની પણ સૂચના પોલીસને આપવામાં આવી છે.