સિવિલમાં અત્યાધુનિક પદ્ધતિથી ચક્ષુનાં પ્રત્યારોપણનો પ્રારંભ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટેક્નોલોજીઃ નવી પદ્ધતિથી ઇન્ફેક્શનનું જોખમ નહીં રહે

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં હવે ચક્ષુનાં પ્રત્યારોપણ (અંધલોકોને દૃષ્ટિ આપવી) માટે અત્યાધુનિક પદ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિથી અંધ દર્દી દેખતો થશે અને ઓછા સમયમાં ઝડપી રિકવરી થશે. ઉપરાંત દર્દી માટે આ ઓપરેશન નિ:શુલ્ક હોય છે, જેથી કોઇ જ ખર્ચ દર્દીને ભોગવવાનો રહેતો નથી. થોડા સમય પહેલાં જ અમલમાં આવેલ આ પદ્ધતિથી સિવિલ હોસ્પિટલમાં ચક્ષુ પ્રત્યારોપણનાં પ૦ ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. આ પદ્ધતિ અમદાવાદ સિવિલ સાથે રાજ્યની જૂજ હોસ્પિટલમાં જ છે.

સિવિલ હોસ્પિટલમાં પહેલાં અંધજનને દૃષ્ટિ આપવા માટે જે ઓપરેશન કરવામાં આવતું હતું, તેમાં ર્કોનિ‌યાની પાંચ લેયર હોય તે તમામ બદલવામાં આવતી હતી. પરિણામે તેમાં દર્દીને રૂઝ આવતાં વાર લાગતી હતી તથા ખર્ચ પણ વધુ થતો હતો. ઉપરાંત ઇન્ફેક્શન લાગવાના કિસ્સા પણ બહુ થતા હતા, પરંતુ હવે ડીએએલકે (ડીપ એન્ટિરિયર લેમેલર કેરેટો પ્લાસ્ટી), ડીએસએઇકે (ડીપ સ્ટ્રોમલ એન્ડોથિલિયલ કેરેટો પ્લાસ્ટી) પદ્ધતિનો ઉપયોગ કરી ઓપરેશન કરવામાં આવે છે, જેથી ર્કોનિ‌યાની પાંચ લેયર પૈકી જે લેયર ખરાબ હોય તે જ બદલામાં આવે છે એટલે એક લેયર ખરાબ હોય તો એક અને બે ખરાબ હોય તો બે જ બદલવામાં આવે છે, જેથી દર્દીને ઝડપી રૂઝ આવે છે અને રિએક્શન-ઇન્ફેક્શન લાગવાના ચાન્સ પણ ઘટી જાય છે.

- સંખ્યાબંધ લોકોનું વેઇટિંગ

આંખનાં પ્રત્યારોપણ માટે સંખ્યાબંધ લોકોનું વેઇટિંગ છે. જ્યારે આંખ દાનમાં આવે ત્યારે દર્દીઓ પૈકી યોગ્ય વ્યક્તિને પસંદ કરી ચક્ષુ પ્રત્યારોપણ કરાય છે, જેમ કે કોઇ મોટી ઉંમરની વ્યક્તિની આંખ દાનમાં આવી હોય તો તે ઉંમરની વ્યક્તિનું વેઇટિંગમાં નામ હોય તો તેમને પ્રત્યારોપણ કરાય છે.

- શ્રીલંકામાં આ છે કાયદો

શ્રીલંકામાં એવો કાયદો અમલમાં છે કે, કોઇ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના ચક્ષુ ફરજિયાત પણે દાન કરવા, જેથી મોટા ભાગના જરૂરિયાતમંદોને સરળતાથી ચક્ષુ મળી શકે છે.

- ચક્ષુદાન કૌટુંબિક પરંપરા બને

ચક્ષુદાનને કૌટુંબિક પરંપરા બનાવવી જોઇએ, પરંતુ ચક્ષુદાન કરવા અંગે લોકોને પૂરતી જાણકારી નથી. જો દરેક વ્યક્તિ આ બાબતે જાગ્રત થઇ ચક્ષુદાન કરે તો અંધજનોને દૃષ્ટિ મળી શકે છે. નવી ડીએએલકે અને ડીએસએઇકે પદ્ધતિથી હાલ પ૦ જેટલા ઓપરેશન થઈ ચૂક્યાં છે. સિવિલિ હોસ્પિટલમાં આવા ઓપરેશન નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. - ડો. દીપક સી. મહેતા, આંખની હોસ્પિટલના ડિરેક્ટર, સિવિલ

- વર્ષ કેટલા આવ્યા કેટલી સર્જરી
- ૨૦૦૮ ૬૩૩ ૩૪૨
- ૨૦૦૯ ૬૭૦ ૩૪૦
- ૨૦૧૦ પ૯૯ ૧૭૨
- ૨૦૧૧ ૬૪૦ ૧૯૮
- ૨૦૧૨ ૬૮૮ ૨પ૩